તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સિધ્ધિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાપદ્મિનીબેન પારેખે રાષ્ટ્રીય સ્તરે એક અનોખો વિક્રમ સ્થાપિત કર્યો છે. રેડિયો, ટી.વી., ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ તથા વિવિધ ચેનલો પરની ક્વિઝ કોમ્પિટિશન્સમાં ભાગ લઇ તેમણે અત્યાર સુધીમાં 1000 કરતા વધારે ઇનામો, પુરસ્કાર મેળવ્યા છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડઝ દ્વારા તેમની સિધ્ધિને નેશનલ રેકોર્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે.

પદ્મિનીબેનની ઉંમર અત્યારે 67 વર્ષની છે. નાનપણથી તેઓ ભણવામાં ખૂબ તેજસ્વી હતા. કાયમ નંબર વન રહે. 1968માં બી. એ. ની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડમેડલ મેળવ્યો હતો. બે વર્ષ બાદ ફિલોસોફી અને સાયકોલોજીના વિષયો સાથે તેમણે એમ. એ. માં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને ફરી એક વખત ગોલ્ડમેડલના અધિકારી બન્યા.

પદ્મિનીબેને જીવનમાં અનેક ચઢાવ-ઉતાર અનુભવ્યા. વ્યક્તિગત સમસ્યાઓ સામે હિંમતભેર ઝઝૂમ્યા. ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધા, પ્રચંડ આત્મવિશ્વાસ તથા વિશાળ વાચન અને ચિંતને તેમના વ્યક્તિત્વને નિખાર્યું. તેઓ કહે છે “માણસે નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત રહેવું જોઇએ. જ્ઞાનની કોઇ સીમા નથી, વાચન જેવી કોઇ તપશ્ચર્યા નથી” પદ્મિનીબેનની જ્ઞાનપિપાસા એમને અનેરું બળ આપે છે.

તેમણે “1997માં એક રાષ્ટ્રીય અખબાર દ્વારા યોજાયેલી ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો, એટલા માટે કે, કોમ્પિટિશન ખૂબ અઘરી હતી, તેમાં તેમણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો અને બસ ! ત્યારથી ક્ષેત્રે તેઓ નવા કીર્તિમાન સ્થાપિત કરતા રહ્યા.” પદ્મિનીબેનને અત્યાર સુધીમાં 1000 કરતા વધારે ઇનામો-પુરસ્કાર પ્રાપ્ત થયા છે. અરે ! એક વખત તો તેમને પોસ્ટ-કુરિયર મારફત એક દિવસમાં 25 ઇનામ મળ્યા હતા. ઇનામો રૂપે પર્યટન સ્થળોની મુલાકાત અને ફાઇવ સ્ટાર હોટેલોમાં રોકાણથી માંડીને કેશપ્રાઇઝ તથા વસ્તુઓ રૂપે ટી. વી., વોશિંગમશીન, ઘરેણાંથી માંડીને ઘરવપરાશની લગભગ તમામ વસ્તુઓ મળી છે. પદ્મિનીબેને બધા ઇનામ-પુરસ્કાર સમાજમાં વહેચી દીધા છે. ગરીબ બાળકોને ફી, થેલિસિમિયા પીડિત બાળકોને સાઇકલ, ડાયાલિસિસ કિટ, નિરાધાર વૃધ્ધાને નિયમિત સહાય સહિતના અનેક સેવા-પ્રકલ્પોમાં તેમણે તેમને મળેલા ઇનામ-પુરસ્કારનો સદ્દઉપયોગ કર્યો છે. 67 વર્ષની ઉંમરે પણ પદ્મિમીનીબેન આજે નવી પરીક્ષાઓ માટે તૈયાર રહે છે, તેઓ કહે છે “જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ, નવું જાણવાની જીજ્ઞાસા અને વાચન થકી મને ઊર્જા પ્રાપ્ત થાય છે. સમયની સાથે રહેવાની પ્રેરણા મળે છે. દેશ-દુનિયા, સમાજજીવનમાં આવતા પરિવર્તનો સાથે જાતને સાનુકૂળ કરવાની તક મળે છે અને એટલે સામાન્ય રીતે વૃધ્ધાવસ્થામાં અનુભવાતી એકલતા કે કંટાળો મને સ્પર્શ કરતા નથી..”

1000થી વધુ ઈનામો મેળવી નેશનલ રેકર્ડ સ્થાપિત કર્યો.

રાજકોટના ‘ક્વિઝ ક્વીને’ 1000 ઇનામ મેળવ્યા

અન્ય સમાચારો પણ છે...