• Gujarati News
  • National
  • પુત્રે નિદ્રાધીન વૃધ્ધ માતાને હથોડીના ઘા માર્યા પછી ટૂંપો આપીને પતાવી દીધા

પુત્રે નિદ્રાધીન વૃધ્ધ માતાને હથોડીના ઘા માર્યા પછી ટૂંપો આપીને પતાવી દીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચનાથપ્લોટમાં કાશિવિશ્વનાથ મંદિર પાછળ સાયલાના ઉતારામાં આવેલા વૃજ વલ્લભ એપાર્ટમેન્ટમાં રહેતા 85 વર્ષના વૃધ્ધા હેમલતાબેન પ્રભુદાસભાઇ પારેખને તેના પુત્ર દીપકે હથોડીના ઘા માર્યા પછી ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નિદ્રાધીન માતાની હત્યા કર્યા પછી દીપક ઘરમાં બેઠો રહ્યો હતો. પાડોશમાં રહેતા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી સ્મૃતિબેન મણિયારે પોલીસને જાણ કરતા પોલીસે દીપકને અટકાયતમાં લઇ લીધો હતો. દીપકની કેફિયત મુજબ, વૃધ્ધ માતા સાંભળી શકતા હતા, કંઇ પૂછવું હોય તો પણ લખીને પૂછવું પડતું, માતાની પથારી પણ સાફ કરવી પડતી હતી, પોતે સેવા ચાકરી કરી શકતો નહીં અને માતાનું દુ:ખ જોઇ શકતો હોવાથી હત્યા કરી છે. તેણે હત્યા પછી ચિઠ્ઠી લખી હતી કે, મારું મગજ સાવ ખરાબ થઇ ગયું છે, મારી માનું અને મારું કોઇ નથી દુનિયામાં એટલે મેં મારી માને મારી નાખી છે, દુ:ખી વધારે થતા હતા પીઆઇ પી.એન.વાઘેલા, મદદનીશ સંજયભાઇ દવે, કૌશલેન્દ્રસિંહે મૃતકના પુત્રીની ફરિયાદ પરથી ગુનો નોંધી દીપકની ધરપકડ કરી હતી. વૃધ્ધા અને તેના પુત્રનો જીવન નિર્વાહનો તમામ ખર્ચ માટે બેંગ્લોર સ્થિત પુત્રી ઉઠાવતી હતી.

પાડોશી મહિલા અધિકારીને મધરાતે શંકા ગઇ હતી

વૃધ્ધાના પાડોશમાં રહેતા સમાજ સુરક્ષા વિભાગના અધિકારી સ્મૃતિબેન મંગળવારે આજી ડેમ ખાતે અંકિત તિવારી નાઇટ જોઇને મોડી રાતે ઘરે પહોંચ્યા, મધરાતે બાજુના ઘરમાં ગ્લાસ પડવાનો અવાજ આવતા શું થયું જોવા ગયા, પાડોશીના મકાને તાળું મારેલું હોવાથી (દીપક રૂમની અંદરથી બારીમાંથી હાથ કાઢીને બહાર તાળું મારી રાખતો) પાછળ ગેલેરીમાં જઇને જોતા દીપક આંટા મારી રહ્યો હોવાથી પોતે સૂઇ ગયા. સવારે જાગ્યા ત્યારે પણ પાડોશીના દરવાજાને તાળું વાસેલું જોઇ અન્ય પાડોશીને બોલાવી દીપકને તાળું ખોલવા કહ્યું, દીપકે તાળું ખોલવા હાથ બહાર કાઢ્યો ત્યારે બન્ને હાથ લોહીથી લથબથ હતા, રૂમમાં તપાસ કરતા હેમલતાબેનનો ચાદર નીચે ઢંકાયેલો મૃતદેહ જોઇને પોલીસ તથા 108ને જાણ કરી હતી. એપાર્ટમેન્ટમાં અગાઉ ત્રણ વર્ષ પહેલા મીરા નામની નેપાળી યુવતીની હત્યા થઇ હતી.

દીપકેઅગાઉ છેડતીના ગુનામાં પકડાતા ઝેર ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો

માતાનીક્રૂર હત્યા કરનાર દીપક (ઉ.વ.45) M.Sc. સુધી ભણેલો છે.માનસિક અસ્વસ્થ રહેતો હોવાથી લગ્ન કર્યા નથી. 6-7 માસ પહેલાં એપાર્ટમેન્ટમાં ચોકીદારની સગીર પુત્રીની છેડતી અંગે મહિલા પોલીસમથકમાં ગુનો નોંધાયા પછી 10-12 દિવસ જેલવાસ ભોગવીને બહાર આવેલા દીપકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પણ પાડોશી સ્મૃતિબેને સારવારનો પ્રબંધ કરી બચાવી લીધો હતો.

રાજકોટના પંચનાથ પ્લોટમાં વૃજ વલ્લભ એપાર્ટમેન્ટમાં બુધવારે વહેલી સવારે હત્યા

માતાની સાર સંભાળ લઇ શકતો નહોતો, દુ:ખ પણ જોઇ શકતા હત્યા કર્યાની કબૂલાત

અન્ય સમાચારો પણ છે...