• Gujarati News
  • National
  • હેકથોનનું લોન્ચિંગ, એક્સપ્રેસ ફીડરલાઇનનું આજે લોકાર્પણ

હેકથોનનું લોન્ચિંગ, એક્સપ્રેસ ફીડરલાઇનનું આજે લોકાર્પણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાએક ઝોનમાંથી બીજા ઝોનમાં પાણી ગણતરીની મિનિટોમાં ટ્રાન્સફર કરી શકાય તે માટે રૂ.38 કરોડના ખર્ચે નખાયેલી એક્સપ્રેસ ફીડરલાઇનનું લોકાર્પણ તેમજ શહેરની મુખ્ય 100 સળગતી સમસ્યાનો વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીથી કાયમી ઉકેલ સ્માર્ટ સિટી રાજકોટ હેકથોન-2017ના નામથી તૈયાર થયેલી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું છે.

શહેરની હાલની પાણી વિતરણ વ્યવસ્થાનો કાયમી હલ લાવવા માટે એક્સપ્રેસ ફીડરલાઇન નાખવામાં આવી છે. 2010માં તેનું કામ શરૂ થયું હતું. 27 કિ.મી.માં એક્સપ્રેસ ફીડરલાઇનની પાઇપલાઇન પાથરવામાં આવી છે. જેમા 13 કિ.મી. ન્યારી ડેમથી રૈયાધાર અને 14 કિ.મી. ન્યારી ડેમથી આજી ડેમ સુધી નાખવામાં આવી છે. સૌની યોજના હેઠળ આજી ડેમ નર્મદા નીરથી ભરી શકાયા બાદ ત્યાંથી એક્સપ્રેસ ફીડરલાઇન મારફતે અન્ય ઝોનમાં પણ નર્મદાનાં નીર ગણતરીની મિનિટોમાં પહોંચાડી શકાશે. મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે.

ઉપરાંત વિવિધ સમસ્યાનો ઉકેલ વહીવટી પ્રક્રિયા સાથે ટેક્નોલોજીની મદદથી ખૂબ ઝડપથી ઉકેલી શકાય તે માટે સ્માર્ટ સિટી રાજકોટ હેકથોન-2017ના નામથી એક વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન તૈયાર થઇ છે. તેની મદદથી મનપા લોકોને નડતી સમસ્યા સુધી પહોંચી તેનો ત્વરિત ઉકેલ લાવી શકે તેવા આશયથી યોજના બનાવવામાં આવી છે. કુલ 100 સમસ્યાઓને આઇડેન્ટિફાઇ કરાશે. આવી ફરિયાદોનો તાકીદે નિકાલ કરવા માટે એપ મહત્ત્વની બની રહેશે. દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓની મદદથી વેબસાઇટ અને મોબાઇલ એપ બનાવવામાં આવી છે. તેનું લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુરુવારે થશે. પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મોદીના CM કાર્યકાળમાં 2010માં કામ શરૂ થયું હતું

અન્ય સમાચારો પણ છે...