• Gujarati News
  • National
  • રાષ્ટ્રીય શાળાએ ભાડે આપેલો હોલ ખાલી કરાવ્યો, પોલીસે પુન: કબજો અપાવ્યો

રાષ્ટ્રીય શાળાએ ભાડે આપેલો હોલ ખાલી કરાવ્યો, પોલીસે પુન: કબજો અપાવ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
75 વર્ષના મેનેજિંગ ટ્રસ્ટીની 5 કલાક અટકાયત: પોલીસના ધાડા ઉતારાયા


ગાંધીજીનીપવિત્ર સ્મૃતિ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય શાળા પરિસરમાં ચાલતી ઇન્ટિરિયર ડિઝાઇનની એક કોલેજ ખાલી કરાવવાના મુદ્દે ગુુરવારે અસામાન્ય ઘટનાક્રમ સર્જાયો હતો. રાષ્ટ્રીય શાળાના સંચાલકોએ કોલેજના ટેબલ-ખૂરશી બહાર મૂકીને તાળું મારી દીધા બાદ પોલીસ રાષ્ટ્રીય શાળાના 75 વર્ષના અપંગ મેનેજિંગ ટ્રસ્ટીને ઉપાડી ગઇ હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત હેઠળ તાળાં તોડી સામાન ફરી એક વખત અંદર મૂકી દેવાની કોલેજ સંચાલકને સવલત કરી અપાઇ હતી.

બનાવની વિગત એવી છે કે, રાષ્ટ્રીય શાળા પરિસરના 4 રૂમ અને 1 હોલમાં ઇન્ટિરિયર ડિઝાઇનની કોલેજ ચાલે છે. રાષ્ટ્રીય શાળાના પૂર્વ વ્યવસ્થાપક વિઠ્ઠલભાઇ આહ્યાના ભાઇ પ્રવીણભાઇ આહ્યાના જમાઇ જય ચતવાણીને જગ્યા ભાડે આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ધીરૂભાઇ ડોબરિયાના જણાવ્યા મુજબ હોલ માટે 1-2-2008ના રોજ 31-12-2010 સુધીનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો, તે મુદ્દત પૂરી થઇ ગઇ હતી. દરમિયાન, હોલમાં ગાંધીજી સંબંધિત ચીજ-વસ્તુઓ, ફોટોગ્રાફ્સ વગેરેનું કાયમી પ્રદર્શન કરવાનું હોવાથી હોલ ખાલી કરવા કોલેજ સંચાલકને જણાવાયું હતું. તેમ છતાં, તેમણે હોલ ખાલી કર્યો નહોતો. ગુરુવારે સવારે સંચાલકોએ હોલમાંથી ટેબલ-ખૂરશી બહાર કઢાવી, હોલને તાળું મારી દીધું હતું.

ત્યારબાદ, થોડી વારમાં મોટો પોલીસ કાફલો રાષ્ટ્રીય શાળાએ ધસી આવ્યો હતો. પોલીસ ધીરૂભાઇ ડોબરિયાને ડિવિઝન પોલીસ મથકે લઇ ગઇ હતી. એમની ઉંમર, શારીરિક અવસ્થા તથા એમના સામાજિક મોભાનું ધ્યાન રાખ્યા વગર તેમની સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન થયું હોવાનો વસવસો ધીરૂભાઇએ વ્યક્ત કર્યો હતો.

બાદમાં, બપોરે 3:00 વાગ્યે પોલીસ તેમને લઇને ફરી રાષ્ટ્રીય શાળાએ પહોંચી હતી, સમયે ત્યાં મોટો પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો. પોલીસ રક્ષણ હેઠળ હોલનું તાળું તોડવામાં આવ્યું હતું અને કોલેજ સંચાલકે ફરી કબજો જમાવી દીધો હતો.

્આ ઘટના બાદ ગમે તે કારણ હોય પણ રાષ્ટ્રીય શાળાએ પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. બનાવ અંગે ધીરુભાઈ ડોબરિયાએ પોલીસ કમિશનર ઝાને મળી રૂબરૂ રજૂઆત કરી અને પોતાની ભૂિમકા સ્પષ્ટ કરી હતી. પોલીસ કમિશનરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી. જો કે ગુરુવારે આખા વિવાદાસ્પદ પ્રકરણમાં પોલીસે ભજવેલી અસામાન્ય ભૂમિકા સમગ્ર શહેરમાં ટીકાને પાત્ર બની છે.

હોલમાં ચાલતી કોલેજનો ભાડા કરાર પૂરો થઇ ગયો હોવાનો સંચાલકોનો દાવો

અન્ય સમાચારો પણ છે...