• Gujarati News
  • અમરેલીના પૂર્વ સાંસદના બે ભત્રીજા ભાગેડુ જાહેર

અમરેલીના પૂર્વ સાંસદના બે ભત્રીજા ભાગેડુ જાહેર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીનામાજી સાંસદ ઠુંમરના બે ભત્રીજાને 10 લાખના ચેક રિટર્નના કેસમાં રાજકોટ કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરી તેમના ધરપકડ માટે વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. અદાલતના આકરાં વલણને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.

માજી સાંસદના બે ભત્રીજા દિલીપ ઉર્ફે દિનેશ રતિલાલ ઠુંમર અને જયંત ઉર્ફે જયંતી બાબુભાઇ ઠુંમર સૌરાષ્ટ્ર કિસાન ટ્રસ્ટના તત્કાલીન પ્રમુખ, ઉપપ્રમુખ હતા. તેમણે ટ્રસ્ટના હોદ્દેદારના દરજ્જે રાજકોટના કેપ્ટન એગ્રોટેકમાંથી ટ્રસ્ટ માટે રૂ.28,76,500 નો માલ સામાન ઉધારમાં મગાવ્યો હતો. ઉપરોક્ત બન્ને ભાઇએ ટ્રસ્ટ માટે ઉધારમાં ખરીદેલા માલનું ચૂકવણું પોતે કરશે એવું કબૂલ કરીને ટ્રસ્ટવતી પાર્ટ પેમેન્ટ કરવા માટે રૂ.10 લાખનો ચેક લખી આપ્યો હતો, પરંતુ ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા બન્ને હોદ્દેદારને નોટિસ પાઠવાય છતાં કોઇ દરકાર નહીં લેતા રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ચેક રિટર્નનના કેસમાં ઉપરોક્ત બન્ને તહોમતદારને મુદ્દતે હાજર રહેવા કોર્ટ દ્વારા અનેક વખત વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા, પરંતુ રાજકીય વગ અને પોલીસની સાઠગાંઠના કારણે વોરંટની બજવણી થવા દેતા હતા. આથી રાજકોટ કોર્ટ દ્વારા ઉપરોક્ત બન્ને તહોમતદારને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, તેમજ સંબંધિત પોલીસમથકના અધિકારીને બન્ને તહોમતદારને પકડી પાડવા માટે ધરપકડ વોરંટ ઇસ્યૂ કરી વોરંટની અચૂક બજવણી કરવા તાકીદ કરવામાં આવી છે.

ટ્રસ્ટ માટે કરેલી ખરીદી પેટે રાજકોટની પેઢીને આપેલો 10 લાખનો ચેક રિટર્ન થયો હતો