તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મહાયુદ્ધ 1793નું અને 2016નું શબ્દ મહાયુદ્ધ

મહાયુદ્ધ 1793નું અને 2016નું શબ્દ મહાયુદ્ધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેરિકન કૉંગ્રેસને બુલંદ અવાજે સંબોધનારા અને યુદ્ધનો સખત વિરોધ કરતાં અમેરિકન રાજપુરુષ બદાઉન ઑફ બેલ્જિયમે કહ્યું હતું કે ‘યુદ્ધ યુદ્ધના પોકારો કરો છો, પણ તમે જાણો છો કે યુદ્ધનો પ્રથમ બલિ દેશનો યુવાન બને છે?’ એક યુવાનને પેદા કરતાં ધરતીમાતાને 20-20 વર્ષ લાગે છે અને અને તમે યુદ્ધ યુદ્ધના નારા લગાવો છો અને બહાદુરીનાં ભાષણ કરો છો, તેનું બધાને ભાન છે કે યુદ્ધ માત્ર એક સેકન્ડમા તમારા નવલોહીયા યુવાનોને નષ્ટ કરે છે. વડાપ્રધાને તેના બંગલામાં અભૂતપૂર્વ કેબિનેટ મિટિંગ બોલાવી. પાકિસ્તાન સામે શું પગલાં લીધા? માત્ર ટેવ મુજબ પહોળા હાથ કરી ઠાલાં ભાષણ કર્યાં.18-9-2016ના રોજ ‘ન્યૂયોર્ક ટાઇમ્સ,’ ‘લોસ એન્જેલસ ટાઇમ્સ’ અને મુંબઈના તેમજ રાજકોટનાં અખબારોએ આપણા 18 ચુનંદા સૈનિકોને અણધાર્યા મિલિટન્ટ્સ ઉર્ફે પાકિસ્તાને મારી નાખ્યા, તે સમાચાર પહેલા પાને છાપ્યા. આજે અચાનક મહાત્મા ગાંધી યાદ આવ્યા. ગાંધીજીએ તમને નવાઈ લાગે તે રીતે યુદ્ધને આવકાર્યંુ હતું! યુદ્ધમાં સામે દુશ્મન કાકો-મામો થતો નથી. ગાંધીજીએ કહ્યું હતું કે, ‘યુદ્ધથી એક વાત સારી બને છે. યુદ્ધ થાય, તો સૈનિકના હૈયામાંથી ડર-બીક-ફફડાટ અદૃશ્ય થઈ જાય છે અને તેનામાં બ્રેવરી-બહાદુરી બહાર આવે છે. ગાંધીજીના એક્ઝેક્ટ શબ્દો આવા હતા, ‘War is unmitigated evil but it does one good thing. It drives away fear and brings bravery to surface.’

પણ, જમ્મુ-કાશ્મીરમાં જે ઘટના બની અને કુલ 18 સૈનિકો પાકિસ્તાનને હાથે કપાઈ મૂઆ, તે ઘટનામાં ક્યાંય બહાદુરીને બહાર આવવાનો આવકાશ નહોતો. રિપીટ કરું છું કે, ખેતરમાં જુવાર કે બાજરો વાઢે, તેમ પાકિસ્તાનીઓએ આપણા નવલોહીયા યુવાનોને વાઢી નાખ્યા. કરુણતા વાતની છે કે આખા શરમજનક પ્રસંગને નવી દિલ્હીમાં ‘મહાભારત’ની જૂના જમાનાની ફોગટ વાતો યાદ કરીને 18 સૈનિકોના લોહીની મજાક ઉડાવાઈ. અરે સાહેબો! 223 વર્ષ પહેલાં 14 ઑક્ટોબર, 1793ના રોજ જે યુદ્ધ લડાયું અને જે ભાલા અને તલવારથી કે કવચિત દારૂગોળાથી લડાયું અને આજે 2016માં લુચ્ચા અને દગાબાજ પાકિસ્તાન સામે રોકેટયુગ, મોબાઈલ યુગ અને કમ્પ્યૂટરયુગમાં લડાય, તેમાં કોઈ તફાવત ખરો કે નહીં?

ડૉ. અશોક ભટનાગર જે ‘ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્ટિફિક રિસર્ચ ઓન વેદ’ના ડાયરેક્ટર છે, તેમણે કુરુક્ષેત્રની લડાઈની ઇ.સ. પૂર્વે 14-10-1793ના રોજ શરૂ થઈ તેવી તારીખ આપેલી. અહીં એકાએક મારે બીજા વિદ્વાન લેખક ડૉ. દેવદત્ત પટનાયકના પુસ્તક ‘મહાભારત’નો ઉલ્લેખ કરવો પડે છે, પરંતુ આખા પુસ્તકમાં મહાભારતનો સામસામા બન્ને ‘દુશ્મન’ પાત્રોમાંથી કોઈએ ‘પોતાના ઘર’માં પ્રધાનમંડળની બેઠક બોલાવી હોય તેવુ સાંભળ્યુ નથી. ભારતમાં કૉંગ્રેસે લાંબુ રાજ કર્યું, પણ જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, લાલબહાદુર શાસ્ત્રી કે કોઈ પણ વડાપ્રધાને ઘરે કેબિનેટની અતિ મહત્ત્વની બેઠક બોલાવી નહોતી! જોકે, ‘મહાભારત’ની કથા જે દેવદત્ત પટનાયકે કરી, તેમાં ફિલસૂફીની વાતો વધુ છે. પુસ્તકનું તારણ છે કે ‘આ જીવન અર્થહીન છે- લાઇફ ઇઝ મીનિંગલેસ’. માનવી પૃથ્વી ઉપર અવતર્યો, તો તેની ફરજ છે કે તે સાદા, સાધારણ થઈને તમામને ઉપયોગી થઈને જીવે અને એકબીજા પ્રત્યે માયાળુ થાય.

મહાભારતમાં 2016ની ટેક્નોલોજીની વાતો કોઈ કામની નથી, પણ ફિલસૂફી બહુ કામની છે. ભીષ્મપિતામહ યુદ્ધિષ્ઠિરને (પાંડવો) ફિલસૂફીના ટોનમાં કહે છે: ‘આ જિંદગી શું છે? જિંદગી એક વહેતી નદી છે. તમે નદીનો પ્રવાહ બદલવાની કોશિશ કરો છો, પણ નદી વળતી નથી. (કદાચ વળે તો તે વોંકળું કહેવાય, નદી નહીં) એટલે નદીને તમારી પોતાની ફિલસૂફી કે માન્યતા પ્રમાણે વાળવાને બદલે નદીને તેના કુદરતી પ્રવાહમાં વહેવા દો. જિંદગીને કુદરતી પ્રવાહમાં વહેવા દો. તેના શુદ્ધ જળમાં નહાઓ, તેનું જળ પીઓ, તાજામાજા થાઓ, પરંતુ નદીનાં જળ માટે કદી લડો નહીં. તેના પૂરમાં તણાઈ જવા જેટલા અસાવધાન થાઓ કે તે જળ સાથે એટેચ થાઓ. તેનું નિરીક્ષણ કરો. નદીના પ્રવાહ પાસેથી શીખો!’

જગતમાં સૌથી વધુ શસ્ત્ર ભંડારો ધરાવતા અને અડધી દુનિયાને (ભારત સહિત) શસ્ત્રો વેચતા અમેરિકનો પણ ખોટા પાવરથી વાત કરતા નથી. વડાપ્રધાને બોલી નાખ્યું કે ‘દોષિતોને બક્ષવામાં નહીં આવે.’ તેમણે જાતે પાકિસ્તાની હુમલાને ક્લીનચીટ આપી દીધી. હુમલો પાકિસ્તાનની નિયમિત અટકચાળું કરતાં રહેવાની ટેવ મુજબનો શુદ્ધ પાકિસ્તાની હુમલો હતો. તેને માટે ‘દોષિતો’ જેવા શબ્દ વપરાય. ‘દોષિતો’એ આપણા નવલોહીયા અઢાર યુવાનોને આસાવધ હતા, ત્યારે ઢાળી દીધા. સુરક્ષા સલાહકારોએ ઉરી હુમલા અંગે પાકિસ્તાને જે કૃત્યુ ર્ક્યું છે, તેના જવાબમાં વળતો હુમલો કરવાની બોદી સલાહ આપી છે. પણ... કદાચ નરેન્દ્ર મોદીના હાથે આવું પાકિસ્તાન સામે એક ઘા ને બે કટકા જેવું બહાદુરીવાળું યુદ્ધ લખાયું નથી!

દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારની જિંદગી ચિતરાઈ હોય છે. તે રીતે મોત પણ અલગ પ્રકારનું હોય છે. એટલે આજે પાકિસ્તાનને અસલી ભારતીય યુદ્ધશાસ્ત્રનું ત્રીજું લોચન બતાવવાની જરૂર છે. વડા પ્રધાન જાણે છે કે તે પાકિસ્તાનને માત્ર ‘દમ’ મારશે અને ત્યાં સુધીમાં ભારતની ભાવુક અને નિષ્ઠાવાન પ્રજા તેમને કંઈ કહેશે નહીં. ભોળી પ્રજાને આડી વાતે ચડાવી દેવાશે. પ્રજા ચોતરે આવીને શાસકને કંઈ કહેતી નથી. મનનો રોષ મનમાં ધરબી દે છે અને યોગ્ય સમયે રોષ બહાર લાવે છે. છેલ્લે કહેવાની વાત કે આજે ભારત બહુ જુદા આસમાને છે. ભારતની પ્રજા સાતમા આસમાને છે. આપણને બીજો કોઈ અફસોસ નથી. આપણા સત્તાધીશો જોઈએ તેવી પાકી માટીના નીકળ્યા છે? તમે કહો.

અન્ય સમાચારો પણ છે...