Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાપુનગરમાં માથા પર પથ્થરના ઘા ઝીંકી પ્રૌઢાની ઘાતકી હત્યા
પ્રૌઢા પાસે રહેતા રૂ.1000 થી 1200 ગાયબ, લૂંટની શંકા
ત્રણ-ત્રણવ્યક્તિને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર સ્ટોનકિલર હિતેષ રામાવત ઝડપાઇ જતા શહેરીજનોએ રાહતનો દમ લીધો છે ત્યાં મંગળવારે વહેલી સવારે બાપુનગરમાંથી પ્રૌઢાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પ્રૌઢાને પણ માથામાં પથ્થરના ઘા ઝીંકાયા હોય લોકોમાં ફ્ફડાટ ફેલાઇ ગયો હતો.
બાપુનગરમાં રહેતો અલ્તાફ નામનો યુવક મંગળવારે સવારે 7.30 વાગ્યાના અરસામાં કામ પર જવા નીકળ્યો હતો ત્યારે બાપુનગરમાં રાજુભાઇ ચાવડિયાના ડેલા પાસે જંગલેશ્વરના ખતીજાબેન ગુલાબશા શાહમદારની લોહી નીંગળતી હાલતમાં લાશ જોતા તેણે શાહમદાર પરિવારને જાણ કરી હતી. પ્રૌઢાનો પુત્ર હુશેનભાઇ સ્થળ પર પહોંચ્યો હતો અને તેમણે જાણ કરતા ઇન્ચાર્જ પીઆઇ બી.ટી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રૌઢાને કપાળના ભાગે વજનદાર પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.
ખતીજાબેનને સંતાનમાં એક પુત્ર હુશેનશા અને અેક પુત્રી હમીદાબેન છે, પતિ ગુલાબશા મોરબી પાસેના સાંજીપીરની દરગાહમાં મુંજાવર હોય તેઓ વર્ષોથી ત્યાં રહે છે. ખતીજાબેન માનસિક અસ્વસ્થ હોવાથી બારેક વર્ષથી ઘર છોડીને બાપુનગરમાં ફૂટપાથ પર રહેતા હતા અને વિસ્તારની દુકાનો અને કારખાનામાં સફાઇ કામ કરતા હતા, ખતીજાબેન પાસે દરરોજ રૂ.1 હજારથી 1200 જેટલી રકમ રહેતી હતી અને તે રકમ તે એક પોટલીમાં રાખતા હતા. લાશ નજીકથી સ્લીપર અને ખાલી પોટલી મળી આવી હતી. લૂંટના ઇરાદે પ્રૌઢાની હત્યા થયાની શંકા સેવાઇ રહી છે. પોલીસે મૃતકના પુત્ર હુશેનશાની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળ નજીક આવેલા કેટલાક કારખાના અને દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસે ચેક કર્યા હતા. જેમાં એક શખ્સ ઘટનાસ્થળ નજીક દેખાયો હતો. જોકે, હત્યારો છે કે કેમ તે બાબત તે શકમંદ હાથ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
ઘટનાસ્થળથી મળેલા ફૂટેજમાં એક શખ્સ દેખાયો