• Gujarati News
  • National
  • ડો. કલામે કહ્યું હતું, સાધુને મળવા હું સામે ચાલીને જઇશ

ડો. કલામે કહ્યું હતું, સાધુને મળવા હું સામે ચાલીને જઇશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલભવન આવું ત્યારે મારું બાળપણ જીવંત થઇ જાય છે

ડો.કલામ બે વખત બાલભવનની મુલાકાતે આવ્યા હતા. વર્ષ-2003માં તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે તો 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિન નિમિત્તે તેમણે લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલય અને બાલભવનમાં યોજાયેલા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બાલભવનમાં તેમણે 10 હજાર બાળકોને ઉદ્દબોધન કર્યું હતું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. બાદમાં, 27-5-2009ના રોજ બાલભવનના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે તેઓ રાજકોટ આવ્યા હતા અને ત્યારે પણ બાળકો સાથે તેમણે ખૂબ પ્રેરક અને આત્મીય સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું “બાલભવનમાં આવું છું ત્યારે મારું બાળપણ જીવંત થઇ જાય છે..” સોમવારે તેમના નિધનના સમાચાર આવ્યા ત્યારે બાલભવનમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. બે મિનિટનું મૌન પાડી તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

તેમની મુલાકાતોના સંભારણા વાગોળતા મનસુખભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ડો. કલામ સાહેબ અદ્દભુત વ્યક્તિત્વ ધરાવતા હતા, તેમના રોમ-રોમમાંથી બૌધ્ધિક અને આધ્યાત્મિક ઊર્જા છલકતી હતી. બન્ને પ્રસંગે તેમણે બાળકોને ખૂબ પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. બાળકોના સવાલોના જવાબ આપ્યા હતા. રાજકોટના બાળકોની પ્રતિભા નિહાળી પ્રભાવિત થયેલા ડો. કલામ તમામ પ્રોટોકોલ્સને કોરાણે મૂકી બાળકોની વચ્ચે બેસી ગયા હતા. બાળકો સાથે ફોટા પડાવ્યા હતા, તેમની સાથે હંસી-મજાક કરી હતી. અદ્દભુત દૃશ્યો હતા. બાલભવનના એક-એક વિભાગનું તેમણે રસપૂર્વક અવલોકન કર્યું હતું. બાલભવનની પ્રવૃત્તિઓ જાણી હતી. તેમના હાથે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

મનસુખભાઇ કહે છે “ડો. કલામની મુલાકાતો અમારા માટે અને હજારો બાળકો માટે જીવનભરનું સંભારણું બની ગઇ છે. વિદ્વતા, નમ્રતા અને એમની સરળતા થકી તેઓ એક ક’દી વિસરી શકાય તેવી ઉમદા યાદ મૂકતા ગયા છે.”

બાલભવનમાં સૈનિકના વેશધારી એક બાળકને સલામ કરી કલામ સાહેબે પોતાની સરળતા અને નિર્મળ વ્યક્તિત્વનો પરિચય આપ્યો હતો. તેઓ બાળકોની વચ્ચે દોડી ગયા હતા અને બધા સાથે ખૂબ આત્મીય રીતે વાર્તાલાપ કર્યો હતો. તસવીર અને પ્રસંગ હવે માત્ર સંભારણારૂપે રહેશે. કલામ સાહેબને રાજકોટ ક\\\'દી ભૂલી શકશે નહીં.

યાદગાર સંભારણાં | ડો. કલામે બે વખત બાલભવનની મુલાકાત લીધી હતી, હજારો ભૂલકાંઓ સાથે વાર્તાલાપ કર્યો હતો

આશ્રમમાં ધ્યાનમાં સરી પડ્યા હતા

સ્વામીનિખિલેશ્વરાનંદજી કહે છે કે ‘ડો. કલામ જ્યારે રામકૃષ્ણ મંદિરે આવ્યા ત્યારે તેઅો બૂટ કાઢીને સીધા મંદિર તરફ ગયા. ત્યા આરતીમાં બેઠા અને એવા ધ્યાનમાં લીન થઇ ગયા હતા કે, તેમનો સિક્યોરિટી સ્ટાફ મૂંઝવણમાં મુકાઇ ગયો હતો. તેમને ખરેખર જગાડવા માટે ઢંઢોળવા પડ્યા હતા. તેમની સાદગી અદભુત હતી. તેઓ ઉઠ્યા અને મંદિરની બહાર ગયા. ત્યા જાતે પોતાના બૂટ હાથમાં લઇને કાર સુધી ગયા.’ તેમને અંગે પૂછતા તેમના શબ્દો હતા કે ‘આરતીમાં સંગીત એટલું દૈવી હતું કે સીધું હૃદય સોંસરવું ઉતરી ગયું હતું’ તેમની સાદગી પણ સૌને સ્પર્શી ગઇ હતી. એક સાચા સાધક જેવું તેમનું ઉચ્ચ આધ્યાત્મિક સ્તર હતું.

ચાર વખત રાજકોટ આવ્યા હતા

રાજકોટસાથે તેમને આત્મિય નાતો હતો. રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા 2001માં તેમના હસ્તે ક્રાઇસ્ટ કોલેજનું ઉદઘાટન થયું હતું. તેમણે રામકૃષ્ણ આશ્રમની પણ મુલાકાત લીધી હતી. 2003માં તેમણે બાલભવન અને લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલની મુલાકાત લીધી હતી. તા. 12 જાન્યુ. 2006ના સૌ.યુનિ.ના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. છેલ્લે તા. 27-05-2009ના રોજ તેમણે બાલભવન મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...