• Gujarati News
  • National
  • તળાવમાં મિત્રો સાથે સેલ્ફી લઇ રહેલો કિશોર ડૂબ્યો

તળાવમાં મિત્રો સાથે સેલ્ફી લઇ રહેલો કિશોર ડૂબ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિલસ્ટેશન, નદી, તળાવ, દરિયા અને ચાલુ ટ્રેનમાં સેલ્ફી ખેંચવાની લહાયમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે છતાં યુવાપેઢીમાં સેલ્ફીનો ક્રેઝ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શહેરના છેવાડેે રાંદરડા તળાવમાં રવિવારે બપોરે આવી એક ઘટના બની છે. મિત્રો સાથે પાણીમાં ઊભા રહીને સેલ્ફી લઇ રહેલો મૂળ જામનગરનો 17 વર્ષીય તરુણ ઊંડા પાણીમાં ગરક જઇ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.

મૂળ જામનગરનો વતની અને અહિ માજોઠીનગરમાં નાના, મામા સાથે રહેતો નબિલ હાજીશબીરભાઇ છત્રા (ઉ.વ.17) રવિવારે બપોરે સમવયસ્ક 3-4 મિત્રો સાથે રાંદરડા તળાવ ફરવા ગયો હતો. હસીમજાક કરી રહેલા મિત્રોએ તળાવના કાંઠે ઊભા રહીને અલગ અલગ મુદ્રામાં ફોટા પાડ્યા હતા અને સેલ્ફી ખેંચી હતી. પાણીની અંદર ઊભા રહીને સેલ્ફી લેવા માટે ચારેય મિત્રો તળાવમાં કાંઠાથી થોડા દૂર છીછરા પાણીમાં ઊભા રહીને સેલ્ફી ખેંચી રહ્યા હતા. સેલ્ફી લઇ રહેલા નબીલનો અચાનક પગ લપસતાં તે પાણીમાં ગરક થવા લાગ્યો હતો. અન્ય મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નજર સામે મિત્ર પાણીમાં ગરક થઇ જતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં આવી પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાંથી નબીલને બહાર કાઢ્યો હતો જોકે તેનો મૃતદેહ બહાર નીકળ્યો હતો. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા. આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ મેર, મદદનીશ જયંતીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

નાના, મામા સાથે રહેતા જામનગરના 17 વર્ષીય

કિશોર માટે સેલ્ફીનો શોખ જીવલેણ નિવડ્યો

ચાર મિત્રો રાંદરડા તળાવમાં સેલ્ફી લેતા હતા ત્યારે એકનો પગ લપસતાં પાણીમાં ગરક થયો

અન્ય સમાચારો પણ છે...