• Gujarati News
  • વોંકળામાં મકાનનું બાંધકામ! આર્કિટેક્ટને નોટિસ, કુલ 14થી વધુ દબાણો તોડી પડાયા

વોંકળામાં મકાનનું બાંધકામ! આર્કિટેક્ટને નોટિસ, કુલ 14થી વધુ દબાણો તોડી પડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

રાજકોટમહાપાલિકાએ પ્રી-મોન્સૂન કામગીરીમાં જે કામ ચોપડે દેખાડ્યું છે તે હવે એક દિવસમાં 13 ઇંચ વરસાદ બાદ હવે નક્કર કામગીરી કરવી પડી છે. શહેરના વોંકળામાં થયેલા દબાણ તોડી પાડવા 45 દિવસનું જે ઓપરેશન ગોઠવ્યું છે પૈકી શુક્રવારે સામાકાંઠે માજોઠીનગર પાસેના કબ્રસ્તાનથી માંડી આજી નદી સુધીના વોંકળામાંથી 14 દબાણ તોડી પાડ્યા હતા. પૈકી એક મકાન વોંકળા કાંઠે હતું, પરંતુ પ્લાનથી વધારાનું બાંધકામ વોંકળા ઉપર આવે રીતે બારોબાર સ્લેબ ભરીને બનતું હોય પ્લાન મૂકનાર આર્કિટેક્ટ મહેશ ઉપાધ્યાયનું લાઇસન્સ રદ કરવા સહિતના પગલાં તોળાઇ રહ્યા છે.

ચોમાસું શરૂ થઇ ગયું છે ત્યારે છેક હવે વોંકળા સફાઇ હાથ ધરવામાં આવી છે, જો કે, ‘દેર સે આયે દૂરસ્ત આયે’ કહેવત મુજબ મક્કમતા સાથે શરૂ થયેલી ઝુંબેશમાં તમામ વોંકળા અંગેની ભૌગોલિક સ્થિતિની માહિતી મેળવીને 14 ઓગસ્ટ સુધી ડિમોલિશનનો કાર્યક્રમ બનાવીને ટીપી શાખાને સોંપ્યો છે. દોઢ મહિનાના સમયગાળામાં 24થી વધુ મોટા વોંકળા પરના દબાણો તોડી પાડવા તારીખ વાઇઝ આયોજન થયું છે.

કાર્યક્રમ પૈકી શુક્રવારે સામાકાંઠે વોર્ડ નં.16માં ભાવનગર રોડ પર આવેલા માજોઠીનગર પાસેના કબ્રસ્તાનથી લઇને છેક આજી નદીમાં ભળતા વોંકળા સુધીમાં કાચા-પાકા 14 મકાનોનો કડૂસલો બોલાવી દેવાયો હતો. પૈકી શોભનાબેન ડાંડિયા નામના એક આસામીના બાંધકામનો પ્લાન જરૂર મુકાયો હતો, પરંતુ મંજૂરી કરતા વધારાનું બાંધકામ વોંકળા પર સ્લેબ બાંધીને ખડકી દેવામાં આવતું હતું. બાંધકામનો પ્લાન મૂકનાર આર્કિટેક્ટ મહેશ ઉપાધ્યાયની સીધી જવાબદારી બને છે. તમારું લાઇસન્સ શા માટે રદ કરવું, એવો ખુલાસો આપવા નોટિસ ફટકારવામાં આવી છે. જવાબ આવ્યા બાદ અંતિમ નિર્ણય કમિશનર કરશે.

શહેરના સામાકાંઠા વિસ્તારમાં શુક્રવારે વોકળા પર થયેલા દબાણ તંત્રે તોડી પાડ્યા હતા.