• Gujarati News
  • National
  • શેરબ્રોકરની ઓફિસમાં ચાલતા એમસીએક્સના સટ્ટા પર દરોડો

શેરબ્રોકરની ઓફિસમાં ચાલતા એમસીએક્સના સટ્ટા પર દરોડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના150 ફૂટ રિંગ રોડ પરના તિરૂપતિ એપાર્ટમેન્ટમાં શેર બ્રોકરની ઓફિસમાં ચાલતા ગેરકાયદે એમસીએક્સના સટ્ટા પર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને રૂ.1,61,650ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જોકે, મુખ્ય આરોપી હાથ નહીં આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

150 ફૂટ રિંગ રોડ પર શિવસંગમ સોસાયટી પાસેના તિરૂપતિ એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી શેર બ્રોકર કમલેશ નટવરલાલ શાહની ઓફિસમાં એમસીએક્સનો સટ્ટો રમાતો હોવાની હકીકત મળતા ગાંધીગ્રામના ઇન્ચાર્જ આર.આર.સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે દેવપરાની મહેશ્વરી સોસાયટીનો નિર્ભય ધ્રુવ દવે, વાજડીમાં રહેતો અમિત માલદે પરમાર, ગુંદાવાડીનો ધવલ રાજેશ ફિચડિયા અને બોમ્બે હાઉસિંગ સોસાયટીનો હિમાંશુ રામ જોબનપુત્રા સ્થળ પરથી મળી આવ્યા હતા. દરોડા દરમિયાન ચારેય શખ્સો એમસીએક્સના વાયદા બજારના ગેરકાયદે સોદાઓ અને ડબ્બા ટ્રેડિંગ કરતા મળી આવ્યા હતા.

પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી અોફિસમાંથી ત્રણ કમ્પ્યૂટર સેટ, 8 મોબાઇલ ફોન, ઇન્ટરનેટ કનેક્શનનું રાઉટર, સોદા લખેલા ચોપડા મળી કુલ રૂ.1,61,650નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, નિર્ભય, અમિત અને ધવલ ઓફિસમાં કમ્પ્યૂટર ઓપરેટર તરીકે તેમજ હિમાંશુ જોબનપુત્રા એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. શેર બ્રોકર કમલેશ શાહ રાજસ્થાનના કોટા શહેર ગયો હોઇ પોલીસે કમલેશ શાહની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હતી. કમલેશ હાથ આવ્યા બાદ એમસીઅેક્સના ગેરકાયદે સટ્ટાના નેટવર્કની વધુ વિગતો બહાર આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...