• Gujarati News
  • National
  • માણેકવાડા પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં બે તરુણનાં મોત

માણેકવાડા પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં બે તરુણનાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણેકવાડાઅને શાપુર ચોકડી વચ્ચે ડબલસવારી બાઇકને ટ્રકે ઠોકરે લેતાં બાઇકસવાર બે તરુણનાં મોત નીપજ્યા હતા. બાઇકને ઠોકરે લીધા બાદ ટ્રક પણ પલટી ખાઇ જતાં તેમાં બેઠેલા ત્રણને ઇજા થઇ હતી. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.

ખાંભા તાલુકાના માલકનેશ ગામમાં રહેતો ભરત ચીથરભાઇ મકવાણા (ઉ.વ.15) અને ગામમાં રહેતો ઘનશ્યામ જોરૂભાઇ પરમાર (ઉ.વ.15) તા.13ના બાઇકમાં બેસી પોતાના ગામથી રવાના થયા હતા અને માણેકવાડા ચોકડી નજીક માલકનેશ-શાપુર વચ્ચે ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકરે લીધું હતું. ટ્રકની ઠોકરથી બંને તરુણ બાઇક પરથી ફંગોળાયા હતા. ટ્રકચાલકે પણ બાદમાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં ઘનશ્યામ પરમારનું સ્થળ પર મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ભરત મકવાણાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ મંગળવારે ભરતનું પણ મોત નીપજ્યું હતું.

મકવાણા પરિવારે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, બંને તરુણ શાળાના કામે શાપુર તરફ જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા ખાંભાના રૂપાભાઇ સાતાભાઇ મેવાડા (ઉ.વ.30), વિનુભાઇ અને ગીગાભાઇને ઇજા થઇ હતી. જેમાંથી રૂપાભાઇને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવલેણ અકસ્માત અંગે ઘનશ્યામના પિતા જોરૂભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકની પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

બનાવને પગલે મકવાણા અને પરમાર પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...