• Gujarati News
  • National
  • રાજકોટમાં ચાર સ્ટડી સેન્ટરો પર યુનિ.ના દરોડા, બે સ્થળે તાળાં ને બે સ્થળે ધરમધક્કો

રાજકોટમાં ચાર સ્ટડી સેન્ટરો પર યુનિ.ના દરોડા, બે સ્થળે તાળાં ને બે સ્થળે ધરમધક્કો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોગસ ડિગ્રી કૌભાંડ બાદ યુનિવર્સિટીના સત્તાધીશોની અમાન્ય સ્ટડી સેન્ટર પર તવાઇ

એજ્યુકેશન રિપોર્ટર.રાજકોટ

જામનગરઅને રાજકોટમાંથી બોગસ ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ બાદ યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે મંગળવારે અન્ય રાજ્યોની યુનિવર્સિટીના માન્યતા વગરના સ્ટડી સેન્ટરો પર દરોડા પાડ્યા હતા જોકે, બે સ્ટડી સેન્ટરના સંચાલકોને દરોડાની અગાઉથી જાણ થઇ જતા ઓફિસને તાળાં મારી પલાયન થઇ ગયા હતા, એક સ્ટડી સેન્ટરના પાટિયા ઉતારી લેવાયા હતા અને એક સ્ટડી સેન્ટરમાં કોચિંગ ક્લાસિસ ચલાવાતા હોવાનું અને એકમાં પ્રોફેશનલ કોર્સ ચલાવાતો હોવાનું બહાર આ‌વતા તમામને આધાર પુરાવા રજૂ કરવા આદેશ કરાયો છે.

યુનિ.ના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય ડો.ગિરિશભાઇ ભીમાણી, ડો.ધરમ કાંબલિયા, ડો.ભાવિન કોઠારી અને ડેપ્યુટી રજિસ્ટ્રાર કિરીટ પાઠકની ટીમે મંગળવારે સવારે ધર્મેન્દ્રસિંહજી કોલેજ સામે ચાલતા સિક્કિમ મનીપાલ યુનિવર્સિટીના સ્ટડી સેન્ટર પર દરોડો પાડવાનો હતો, પરંતુ તેના પાટિયા અગાઉથી ઉતરી જતા ટીમે હિરાપન્ના કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ઓફિસ નં.125માં આવેલી આર.બી.ડિસ્ટન્સ એજ્યુકેશનની ઓફિસમાં દરોડો પાડ્યો હતો, પરંતુ તેના સંચાલકો પણ ટીમ ત્રાટકે તે પહેલાં ઓફિસને તાળાં મારી પલાયન થઇ ગયો હતો. યુનિવર્સિટી રોડ પર સત્યમ્ શિવમ્ સુન્દરમ્ બિલ્ડિંગમાં આવેલી પટેલ એજ્યુકેશન સેન્ટરમાં પણ યુનિવર્સિટીની ટીમ ત્રાટકી હતી. સંસ્થા વિદ્યાર્થીઓને સ્વિત્ઝર્લેન્ડની ડિસ્કવર યુનિવર્સિટી, ફિલિપાઇન્સ, ચાઇના, યુએસએ, જ્યોર્જિયા અને રશિયા જેવા દેશોમાં એમબીબીએસના અભ્યાસક્રમમાં એડમિશન અપાવવાનું કામ કરતી હોવાનું બહાર આવ્યું હતું. જો કે, તેના સંચાલક કલ્પેશ પટેલ પણ અગાઉથી તેની ઓફિસને તાળાં મારી નીકળી ગયા હતા. ત્યારબાદ કાલાવડ રોડ પર કામાનિયા એકેડમીમાં દરોડો પાડ્યો હતો. સંસ્થાના સંચાલકોએ હાલમાં માત્ર CAT, CMAT, ILETS, TOEFL, GMAT, SAT જેવા શૈક્ષણિક કોચિંગ કલાસ ચલાવતા હોવાનું જણાવ્યું હતું.

જ્યારે આઇએનઆઇએફડી જેવી સંસ્થાની ફ્રેન્ચાઇઝી ધરાવતી માય ડિઝાઇન એકેડેમીમાં યુનિવર્સિટીની ચેકિંગ ટીમ ત્રાટકી હતી ત્યારે તેના સંચાલક નૌશિક પટેલે એવું જણાવ્યું હતું કે, પ્રોફેશનલ કોર્સ છે અને દેશમાં 180 સેન્ટરો ચાલે છે. તેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...