• Gujarati News
  • જસદણ,વીંછિયા ,બાબરા પંથકમાં વરસાદ, વીજળી પડતાં બેનાં મોત

જસદણ,વીંછિયા ,બાબરા પંથકમાં વરસાદ, વીજળી પડતાં બેનાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંબરિયા અને ગઢડિયામાં વીજળી પડવાથી બેનાં મોત, પારેવાળામાં યુવતી દાઝી ગઇ

ટીમભાસ્કર. રાજકોટ

શુક્રવારેભીમ અગિરયાસ છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ મેઘરાજા જાણે સારા શુકનના સંકેત આપતા હોય તેમ જસદણ, વીંછિયા અને બાબરા પંથકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક શરૂ થયેલા વરસાદથી અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. આંબરડી ગામે બે ઇંચ વરસાદ થયાના અહેવાલ મળે છે. બીજી તરફ જસદણ પંથકના પારેવાળા, શિવરાજપુર અને આંબરિયા ગામમાં તોફાની પવન અને ગાજવીજ સાથે આકાશી વીજળી પડતાં બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડી છે.

જસદણ પંથકમાં ભીમ અગિયાસરની પૂર્વ સંધ્યાએ મેઘરાજાએ ઘેલા સોમનાથ દાદા ઉપર અભિષેક કરતા હોય તેમ સાંજના સમયે આગમન કર્યું હતું. વીંછિયા પંથકના ઘેલા સોમનાથ ખાતે અર્ધો ઇંચ વરસાદ થયો હતો, જ્યારે સોમપીપળિયા ફૂલઝર, ભોંયરા સહિતના ગામોમાં અમીછાંટણા જેવો વરસાદ થયો હતો. જોકે વીંછિયા નજીકના જસદણ પંથકમાં મેઘરાજાએ તેનું તોફાની સ્વરૂપ દેખાડ્યું હતું અને પંથકના શિવરાજપુર ગઢડિયા,વાડોદ, આંબરડી સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જસદણના આંબરડી ગામે બે ઇંચ વરસાદ થયો હતો, જ્યારે જસદણના ગઢિયા ગામે શિવશક્તિ જીનિંગ પાસે ઘેટાં બકરાં ચરાવતા ભરવાડ જાદવભાઇ માંડણભાઇ લાંબરિયા(ઉ.42) ઉપર વીજળી પડતાં તેમનું મોત થયું હતું. બે પુત્ર અને બે પુત્રીના પિતાનાં મોતથી પરિવારમાં શોક છવાયો છે.

વીજળી પડવાની બીજી ઘટના શિવરાજપુર ગામે બની હતી. જેમાં 25 વર્ષના યુવાન વિજયભાઇ જાદવભાઇ સોસાનું મોત થયું હતું આવી રીતે પારેવાળા ગામની ચેતનાબેન ખોડાભાઇ પરમાર(ઉ.22) કુદરતી હાજતે જતી હતી ત્યારે વીજળી પડતાં તેને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાઇ છે.

ખંભાળામાં દોઢ ઈંચ વરસાદ

બાબરાપંથકનાખંભાળા ગામે પણ સાંજના સમયે પલટાયેલા વાતાવરણ વચ્ચે દોઢ ઈંચ વરસાદ થયો હતો, જ્યારે ખંભાળા નજીકના કરિયાણા ગામે સામાન્ય ઝાપટું વરસી ગયું હતું. બાબરામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાયો હતો અને વીજળી ગુલ થઇ ગઇ હતી.