• Gujarati News
  • વેપારી યુવાનની હત્યામાં સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ શખ્સ દેખાયો

વેપારી યુવાનની હત્યામાં સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ શખ્સ દેખાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાશ જ્યાં પડી હતી તેનાથી 100 ફૂટ દૂરથી ત્રણ ફૂટેલા કાર્ટિસ મળ્યા

અંબિકાટાઉનશિપ પાછળના કોર્ટિયાર્ડ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી યુવાનની મંગળવારે બપોરે કણકોટ રોડ પરથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. યુવાનને લમણે ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ક્વાયત શરૂ કરતાં મૃતક જે ફ્લેટમાં રહેતો હતો તે ફ્લેટના સીસીટીવી કેમેરામાં ઘટના પહેલા એક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ કેદ થઇ ગઇ હતી. પોલીસે ફૂટેજના અાધારે તપાસ આગળ ધપાવી છે.

વાવડીમાં શિવમ ટુલ્સ એન્ડ હાર્ડવેર નામની દુકાન ધરાવતો રિપલ બાબુભાઇ ચનિયારા મંગળવારે બપોરે ઘરે જમવા ગયો હતો અને જમીને તેના નાનાભાઇ સુધીર માટે ટિફિન લઇ દુકાને જવા બાઇક પર રવાના થયો હતો. બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં રિપલની લાશ કણકોટ રોડ પરથી મળી આવી હતી. રિપલને લમણે ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દેવાયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પર્દાફાશ થયો હતો. પોલીસની તપાસમાં પણ રિપલ સરળ સ્વભાવનો હોવાનું તમામ લોકોએ જણાવ્યું હતું. સંજોગોમાં રિપલની હત્યા કોણે અને શા માટે કરી તે બાબત કોયડારૂપ બની હતી. હત્યાનો ભોગ બનનાર રિપલની લાશ લઇને તેમના પરિવારજનો તેમના વતન ડુંગરી ગામે જતા રહ્યા હોય પોલીસ હત્યા સંદર્ભે બુધવારે પરિવારજનોની પૂછપરછ કરી શકી નહોતી. બીજીબાજુ પોલીસે રિપલ જ્યાં રહેતો હતો તે કોર્ટિયાર્ડ એપાર્ટમેન્ટે જઇ તપાસ આગળ ધપાવી હતી. એપાર્ટમેન્ટમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. ફૂટેજમાં અેક વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ નજરે ચડી હતી. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, રિપલ પોતાના ઘરે જમાવા પહોંચ્યો હતો ત્યારબાદ કોઇ એક શખ્સ એપાર્ટમેન્ટના પાર્કિંગ સુધી પહોંચ્યો હતો અને તેણે થોડીવાર ત્યાં આંટાફેરા કર્યા હતા, બાદમાં રિપલ પોતાના ઘરેથી નીકળ્યો તે પહેલા તે વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હતો. ટિફિન લઇને રિપલ એપાર્ટમેન્ટથી બહાર નીકળતો પણ નજરે ચડ્યો હતો. પોલીસે ફૂટેજમાં દેખાતા શખ્સ અંગે એપાર્ટમેન્ટના લોકોની પૂછપરછ કરી હતી, પરંતુ તે શખ્સને કોઇ ઓળખતું નહોતું આમ શખ્સ પોલીસની શંકાના દાયરામાં આવ્યો હતો તેમજ રિપલ ચનિયારાની લાશ જ્યાંથી મળી હતી તેનાથી 100 ફૂટ દૂરથી પોલીસને ત્રણ ફુટેલા કાર્ટિસ મળી આવ્યા હતા. જે પોલીસે કબજે કરી એફએસએલને મોકલ્યા હતા. યુવાનની હત્યા કોણે અને શા માટે કરી તે બાબત હજુ પણ અનુત્તર રહી હતી.

રિપલ ચનિયારા