• Gujarati News
  • National
  • કાલથી ટ્રેક્ટરના વ્હિલ થંભી જાશે, ચાલકો હડતાળ પર જશે

કાલથી ટ્રેક્ટરના વ્હિલ થંભી જાશે, ચાલકો હડતાળ પર જશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી યોગ્ય ઉકેલ લાવવા માગ કરાશે

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

શહેરમાંટ્રેક્ટર માટે નો-એન્ટ્રી હોવાને કારણે ટ્રેક્ટર ચાલકોની હાલત કફોડી બની છે. દિવસના 24 કલાકના સમયમાં કોઇપણ સમયે ટ્રેક્ટરને શહેરમાં આવવા દેવાની માગ સાથે સોમવારથી ટ્રેક્ટર ચાલકોએ હડતાળનું એલાન કર્યું છે અને શહેરના 500થી વધુ ટ્રેક્ટર ચાલકો હડતાળમાં જોડાશે.

શહેરમાં લાંબા સમયથી ટ્રેક્ટર માટે નો-એન્ટ્રી હોવાને કારણે ટ્રેક્ટર શહેરમાં આવી શકતા નથી અને જ્યારે નિયમ ભંગ કરીને કોઇ ચાલક આવે ત્યારે ટ્રાફિક પોલીસના દંડ કે ‘રોકડી’નો ભોગ બને છે. શહેરમાં 500થી વધુ ટ્રેક્ટર છે અને અનેક પરિવારના ગુજરાનનું માધ્યમ ટ્રેક્ટર છે. સંજોગોમાં 24 કલાક માટે નો-એન્ટ્રી ટ્રેક્ટર ચાલકોની રોજીરોટી પર તરાપ સમાન છે. શહેરના ટ્રેક્ટર ચાલક એસોસિએશનના હોદ્દેદારો બકુલભાઇ કાચા, અમુભાઇ આહીર, મનોજભાઇ મેડિયા, પંકજભાઇ વાંક, મોહનભાઇ આહીર અને વિક્રમભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, ટ્રેક્ટરોને શહેર બહાર રખાતા હોવાને કારણે ટ્રેક્ટર ચાલકો બેકાર જેવા બની ગયા છે અને રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે.

અગાઉ અનેક વખત પોલીસ અને કલેક્ટર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રવાહકો તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ નહીં મળતા ટ્રેક્ટર ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવવો પડ્યો છે. સોમવારથી શહેરના તમામ ટ્રેક્ટર ચાલકો હડતાળમાં જોડાશે અને ટ્રેક્ટર મારફત જે કોઇ વસ્તુનું પરિવહન થાય છે તેને અટકાવી દેવામાં આવશે. સોમવારે પોલીસ કમિશનર તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. ટ્રેક્ટર ચાલકો જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રેક્ટરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ છે તેવું બહાનું આગળ ધરવામાં આવે છે, પરંતુ ટ્રાફિક સહિતના મુદ્દાને ધ્યાને લઇ 24 કલાકમાં કોઇપણ પાંચેક કલાક ટ્રેક્ટરને શહેરમાં એન્ટ્રી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે. સોમવારથી પાંચ દિવસ સુધી આંદોલન ચલાવવામાં આવશે.

પ્રવેશ સમિતિનો પ્રથમ રાઉન્ડ યોજાયો

રવિવાર સુધી પ્રદર્શન નિહાળી શકાશે

અન્ય સમાચારો પણ છે...