દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં આંગણવાડીઓની બેદરકારી અને ગેરરીતિ છતી
દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં આંગણવાડીઓની બેદરકારી અને ગેરરીતિ છતી થઇ હતી. ડીડીઓએ આ મામલે આઇસીડીએસના ઇન્ચાર્જ અધિકારીને તપાસ કરવા આદેશ કર્યો હતો. અધિકારીએ તપાસ દરમિયાન લોધિકાના સીડીપીઓ પાસેથી ખુલાસા મગાવ્યા હતા. આ ખુલાસાઓની વાત ગળે ન ઉતરતા તેને ખુલાસો ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી. સીડીપીઓના ખુલાસા યોગ્ય ન લાગતા હવે તેમની વિરુધ્ધ તપાસ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. સીડીપીઓ વર્ગ-2ના અધિકારી હોવાથી તપાસ ચલાવવા માટે ડીડીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ડીડીઓ આ પ્રકરણમાં પોતે તપાસ કરશે અથવા તો તપાસ અધિકારી પણ નીમી શકે છે.
ગેરરીતિ નીકળે તો હું નહીં અાખો વિભાગ દોષિત
ગેરરીતિની જવાબદારી બાબતે સીડીપીઓ શ્રધ્ધાબેન ત્રિવેદીને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ‘બેદરકારી બદલ આંગણવાડી બહેનોએ માફી માગી લીધી છે અને હવે એવું ફરીવાર નહીં બને તેવી ખાતરી આપી છે. ગેરરીતિની કોઇ શક્યતા છે જ નહીં અને જો ગેરરીતિ બહાર આવે તો એમાં હું એકલી જ શા માટે આખો તાલુકા આઇસીડીએસ વિભાગ દોષિત ઠરે કારણ કે આવતો તમામ પુરવઠો અને લાભ ફાઇલ પર ઉત્તરોત્તર સહી થયા બાદ જ લાભાર્થીઓ સુધી પહોંચે છે.’