• Gujarati News
  • National
  • વકીલની બેધારી નીતિ, બંને પક્ષે કેસ લડતાં સનદ રદ કરવા ફરિયાદ

વકીલની બેધારી નીતિ, બંને પક્ષે કેસ લડતાં સનદ રદ કરવા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની અદાલતમાં પ્રેક્ટિસ કરતાં વકીલ સંજય પંડિતે એક દંપતીના કેસમાં બંને પક્ષે વકીલાત કરી છેતરપિંડી કરી આર્થિક નુકસાન કર્યાની પ્રકાશભાઇ ભગવાનદાસ અડવાણીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ આધાર પુરાવાઓ સાથે સોગંદનામું કરી ઉપરોક્ત વકીલના સનદ રદ કરવા ફરિયાદ કરી છે.

બાર કાઉન્સિલમાં ફરિયાદ કરનાર પ્રકાશભાઇએ જણાવ્યું કે, તેના લગ્ન રાજકોટના દ્વારકાદાસ જ્ઞાનચંદાણીની પુત્રી અનુષ્કા સાથે 5-10-2013ના થયા હતા. થોડો સમય લગ્ન જીવન સરખું ચાલ્યા બાદ પત્ની અનુષ્કા તેણીના માતાના ઘરે ચાલી ગઇ હતી. બાદમાં તેમણે વકીલ સંજય પંડિતનો સંપર્ક કરી કાનૂની સલાહ લીધી હતી. જેથી વકીલે સસરા દ્વારકાદાસને 6-6-2016ના નોટિસ મોકલી હતી. ત્યાર બાદ વકીલ સંજય પંડિતને પોતાના વકીલ તરીકે રોકી પોતાના દાંપત્ય જીવન વિશેની સઘળી વિગતો જણાવી હતી.

સસરા દ્વારકાદાસને નોટિસ મળતાં તેમણે તેમના વકીલ મારફત નોટિસનો જવાબ આપ્યો હતો. બાદમાં પત્ની અનુષ્કાએ ફેમિલી કોર્ટમાં ખાધાખોરાકી મેળવવા અરજી કરી કાયદાકીય પ્રક્રિયા કરી હતી. પત્નીની અરજીની સુનાવણી થઇ જતા અદાલતે ખાધાખોરાકી ચૂકવવાનો આદેશ કર્યો હતો, પરંતુ પોતે ખાધાખોરાકીની રકમ ચૂકવી નહીં શકતાં પત્નીએ ફરી અરજી કરી હતી. જે અરજીમાં પત્નીના વકીલ તરીકે સંજય પંડિત રોકયા હોવાનું જણાવાયું હતુ. આમ પોતાના તરફે રોકાયા હોવા છતાં વકીલ સંજય પંડિતે પત્ની અનુષ્કાના પક્ષે ફેમિલી કોર્ટમાં ફોજદારી પરચૂરણ અરજી નં.525/2017થી રોકાઇ પોતાને જેલમાં બેસાડવાની કાર્યવાહી કરી હતી.

આમ સંજય પંડિતે પોતાની સઘળી વિગતો મેળવ્યાં બાદ વકીલાતનાં વ્યવસાયનો દુરુપયોગ કરી પોતાને જેલમાં ધકેલતાં તેમને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થયું છે. આમ વકીલોના સિધ્ધાંતોને નેવે મૂકી છેતરપિંડી કરનાર વકીલ સંજય પંડિતે વકીલાતનાં વ્યવસાયમાં એક ગંભીર રૂપ આપ્યું હોય તેની સનદ રદ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આધાર પુરાવાઓ સાથે સોગંદનામું કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...