• Gujarati News
  • National
  • રગડાની ચટણી અને ઘૂઘરાના મસાલામાં ઘાતક કલરની ભેળસેળ

રગડાની ચટણી અને ઘૂઘરાના મસાલામાં ઘાતક કલરની ભેળસેળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | રાજકોટ

રાજકોટમાંમાથું ઊંચકતા રોગચાળાને કાબૂમાં લેવા માટે મનપાની આરોગ્યશાખાએ ખાણીપીણીના સ્થળે ચેકિંગ હાથ ધર્યું છે. શુક્રવારે ગોંડલ રોડ પર આવેલ એક પ્રખ્યાત રગડાના ધંધાર્થી અને પેડક રોડ પર ઘૂઘરાના ઘંધાર્થીને ત્યાં ચેકિંગ કરતા રગડાની ચટણીમાં અને ઘૂઘરાના મસાલામાં આરોગ્યને નુકસાનકારક કલરની ભેળસેળ થતી હોવાનું પકડાયું હતું. ઉક્ત બન્ને સ્થળેથી સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ અને સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર અમિત પંચાલ સહિતના સ્ટાફે શુક્રવારે સવારે ગોંડલ રોડ પર આવેલા બાબુભાઇ રગડાવાળાને ત્યાં ચેકિંગ કર્યું હતું. દરમિયાન રગડામાં નાખવામાં આવતી ખજૂરની ચટણીમાં કલર હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પરથી 4 કિલો ચટણી અને 25 કિલો રગડાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે સામાકાંઠે ઘૂઘરાના વેપારીઓને ત્યાં થયેલા ચેકિંગ દરમિયાન ઘૂઘરામાં વપરાતી લાલચટણી અને મસાલામાં પણ કલરની ભેળસેળ થતી હતી. જુદા-જુદા સ્થળેથી 270 ઘૂઘરા, 44 કિલો મસાલો અને 5 કિલો ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો.

દરમિયાન રૈયારોડ પર આવેલા હનુમાનમઢી વિસ્તારમાંથી બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમમાંથી ગુલાબ ફ્લેવરનો આઇસ્ક્રીમ, કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોકમાં શ્રીનાથજી આઇસ્ક્રીમમાંથી વેનિલાના નમૂના લેવામાં આવ્યા હતા.

મનપાના આરોગ્ય વિભાગે શુક્રવારે દરોડા પાડી ભેળસેળ કરતાં વેપારીઓને રંગેહાથ પકડ્યા હતા.

આઇસક્રીમ, ચટણી, ઘી, દૂધ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓમાં વધુ નફો મેળવવા વેપારીઓ ભેળસેળ કરી ગ્રાહકોને છેતરે છે

ગ્રાહકોના આરોગ્ય સાથે વેપારીઓના ભયંકર ચેડાં | મનપાની આરોગ્યશાખાએ ઘૂઘરાનો 55 કિલો મસાલો અને 9 કિલો ચટણીનો નાશ કર્યો

અન્ય સમાચારો પણ છે...