• Gujarati News
  • National
  • જ્યાં ફરસાણ બનતું હતું તે સ્થળે ઉંદર અને વંદા આંટા મારતા હતા

જ્યાં ફરસાણ બનતું હતું તે સ્થળે ઉંદર અને વંદા આંટા મારતા હતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

માત્રદશેરા ઉપર દોડતું રાજકોટ મનપાની આરોગ્ય શાખાનું ઘોડું છેલ્લા એક અઠવાડિયાથી મીઠાઇ અને ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ કરી રહ્યું છે. ગુરુવારે ગુંદાવાડી-5 અને કેવડાવાડી શેરી નં.17ના ખૂણે આવેલા સદગુરુ નામના મકાનમાં મીઠાઇ બનાવવાના ચાલતા યુનિટમાં આરોગ્ય શાખાએ દરોડો પાડ્યો હતો. ચેકિંગ દરમિયાન અત્યંત ગંભીર કહી શકાય તેવી હકીકત સામે આવી હતી. જ્યાં મીઠાઇ બનાવવામાં આવતી હતી ત્યાં ઉંદર અને વંદા આંટા મારતા હતા. મનપાએ યુનિટ સીલ કરી દીધું હતું.

મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ અને સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર અમિત પંચાલ સહિતના સ્ટાફે ગુંદાવાડી-5 અને કેવડાવાડી શેરી નં.17ના ખૂણે મિતિશકુમાર વિનોદરાય ફુલર નામના આસામીના સદગુરુ નામના મકાનમાં જય બાલાજી નામથી મીઠાઇ અને ફરસાણ બનાવવાના ચાલતા યુનિટ પર દરોડો પાડ્યો હતો.

યુનિટમાં નમકીન, ખાજલી, સક્કરપારા, ચકરી સહિતનું ફરસાણ બનતું હતું. ફરસાણ લૂઝમાં અને હોલસેલમાં પેકિંગ કરીને વેચાણ કરવામાં આવતું હતું. જે જગ્યાએ ફરસાણ બનતું હતું ત્યાં તપાસ કરવામાં આવતા ઉંદર અને વંદા આંટા મારતા હતા. આજુબાજુમાં ઉંદર અને વંદાના સંખ્યાબંધ દર(ઘર) જોવા મળ્યા હતા. મનપાએ તાત્કાલિક અસરથી યુનિટ સીલ કરી દીધું હતું. ફરસાણની વિવિધ આઇટમના નમૂના લઇ 170 કિલોથી વધુ જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.