Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફોન લઇ ભાગેલા શખ્સના પરિવારજનો ઉપર હુમલો
સીતારામ સોસાયટીમાં બનેલો બનાવ
કોઠારિયાસોલવન્ટ પાસેની સીતારામ સોસાયટીમાં રહેતો શખ્સ નજીકના વિસ્તારમાં લોકોના મોબાઇલ પડાવીને ભાગ્યો હતો, મોબાઇલ પડાવનાર હાથ નહીં આવતા ઉશ્કેરાયેેલા ત્રણ લોકોએ મોબાઇલ લઇને ભાગેલા શખ્સના ભાઇ અને કાકા-કાકી પર હિચકારો હુમલો કર્યો હતો.
સીતારામ સોસાયટીમાં રહેતા અને કારખાનામાં કામ કરતા અશોકભાઇ નરશીભાઇ ચૌહાણ (ઉ.વ.43), તેમના પત્ની રૂપાલીબેન (ઉ.વ.39) અને ભત્રીજો ધવલ ઇજાગ્રસ્ત હાલતમાં રવિવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા હતા. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ દોડી ગઇ હતી. બનાવ અંગે અશોકભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો ભત્રીજો જય અશ્વિનભાઇ ચૌહાણ સીતારામ સોસાયટી પાસેના દીનદયાળનગરમાં લોકો પાસેથી મોબાઇલ પડાવી લેતો હતો. છાશવારે બનતી ઘટનાથી લોકો વોચમાં હતા, રવિવારે રાત્રે જય મોબાઇલ લઇને ભાગતા દીનદયાળનગરમાં રહેતા સમીર અબ્દુલ, મોહીન યાસીનખાન પઠાણ અને પ્રફુલ અજુ ચૌહાણે તેનો પીછો કર્યો હતો.
જય તો મોબાઇલ લઇને ભાગવામાં સફળ થયો હતો, પરંતુ તેનો ભાઇ ધવલ હાથ આવી જતાં પીછો કરી રહેલી ત્રિપુટીએ તેના પર પાઇપથી હુમલો કર્યો હતો. ધવલ પર હુમલો થતાં તેના કાકા અશોકભાઇ અને કાકી રૂપાલીબેન બચાવવા જતા હુમલાખોરો તેમના પર પણ તૂટી પડ્યા હતા. હુમલામાં અશોકભાઇને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી. પોલીસે હુમલાખોર ત્રિપુટી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, શહેરના ચીલઝડપના વધતા બનાવ વચ્ચે સીતારામ સોસાયટીમાં મોબાઈલ લઈને ભાગી છૂટેલા શખ્સને લોકોએ સબક શીખડાવ્યો હતો.