તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાગરિકોને વૃક્ષ દૂર કરવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે

નાગરિકોને વૃક્ષ દૂર કરવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતકબીર રોડના બગીચામાંથી 130 વૃક્ષોનું ખુદ મનપાએ નિકંદન કાઢ્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

સંતકબીરરોડ પહોળો કરવા માટે કપાત કરાયેલી મિલકતના અસરગ્રસ્તોને અન્ય વૈકલ્પિક જગ્યાનો વિકલ્પ હોવા છતાં મેઇન રોડ પરના બગીચાની જગ્યા લહાણી કરી દેવાનો ખેલ ભારે સિફતપૂવર્ક પાર પડી ગયો છે. આમ આદમીને જો એક વૃક્ષ નડતરરૂપ હોય અને કપાત કરવાનું થાય તો પણ મનપાની મંજૂરી લેવી પડે છે ત્યારે ખૂદ મહાપાલિકાએ બગીચામાં આવેલા 130 જેટલા વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે.

એકબાજુ રાજકોટને ગ્રિનસિટી અને પ્રદૂષણમુક્ત કરવાની ગુલબાંગ ઝીંકવામાં આવે છે. શહેર સ્માર્ટ સિટી બને ત્યારની વાત ત્યારે પરંતુ હાલ તો ચોક્કસ રાજકીય અને વગદાર માથાઓનું હિત પોસવા માટે સ્માર્ટ વહીવટ પાર પડી રહ્યા છે. આવો એક ખેલ સંતકબીર રોડ પહોળો કરાયા બાદ અસરગ્રસ્તોને પ્રાઇમ લોકેશનની લગડી જેવી જમીન લહાણી કરવામાં પાર પાડવામાં આવ્યો છે. કિસ્સામાં ગણતરીના દિવસોમાં હેતુફેરની મંજૂરી પણ મેળવી લેવામાં આવી અને હવે અસરગ્રસ્તોને જમીનનો કબજો આપવા માટે બગીચાનું અસ્તિત્વ ભૂસી નખાયું છે. બગીચામાં 130થી વધુ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું છે.

અગાઉ 700 વૃક્ષોનું રી-પ્લાન્ટેશન નિષ્ફળ, બચાવ માટે ફરી રટણ

સંતકબીરરોડના બગીચાના વૃક્ષો જડમૂળથી ઉખેડી નખાયા બાદ મનપાએ એવો બચાવ કર્યો છે કે, તમામ વૃક્ષોનું રી-પ્લાન્ટેશન કરવામાં આવશે. અહીં તંત્રને યાદ અપાવવાનું કે અગાઉ બીઆરટીએસ રોડ બનાવવા સહિતના વિકાસ કામ માટે 700 જેટલા વૃક્ષોનો સોંથ વાળીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં રી-પ્લાન્ટેશન થયા હતા. માત્ર બે મહિનામાં તમામ વૃક્ષો ઠૂંઠા બની ગયા હતા.

કપાતગ્રસ્તોને બગીચો લહાણી કરાયા બાદ હવે વર્ષો જૂના વૃક્ષનો સોથ

અન્ય સમાચારો પણ છે...