તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્રનો વોન્ટેડ બલી ડાંગર થાનમાંથી પકડાયો

સૌરાષ્ટ્રનો વોન્ટેડ બલી ડાંગર થાનમાંથી પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર | રાજકોટ

હત્યા,હત્યાની કોશિશ, ખંડણી, જમીન કૌભાંડ, ફાયરિંગ અને ગેરકાયદે શસ્ત્ર સહિત 21 ગુનામાં સંડોવાયેલા તેમજ દોઢ વર્ષ પહેલાં પેરોલ પર છૂટ્યા પછી ફરાર ભૂમાફિયા બલી ઉર્ફે બલદેવ વિરભાનુ ડાંગર અને તેના 3 સાગરીતને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સોમવારે સવારે ગુપ્ત ઓપરેશન પાર પાડી બેટી ગામના પાદરમાંથી પકડ્યાનું જાહેર કર્યું છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, 13 કારતૂસ, 1 ખાલી

...અનુસંધાન પાનાં નં.17મેગઝિન અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જોકે, દિવ્ય ભાસ્કરે પોલીસની સમાંતર કરેલા ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે થાન નજીક એક વાડીના મકાનમાંથી ચારેય આરોપીઓને ઊંઘતા ઝડપી લીધા હતા. બલીએ અત્યાર સુધી ક્યાં ક્યાં આશરો લીધો અને ફરાર સમય દરમિયાન કેટલા ગુના આચર્યા તે સહિતની વિગત મેળવવા આરોપીઓના રિમાન્ડ માગવામાં આવશે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સોમવારે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરેલી વિગત મુજબ, વોન્ટેડ બલી અને તેના સાગરીતોને શોધી કાઢવા ક્રાઇમ બ્રાંચના ચોક્કસ અધિકારીઓની ટીમ સતત મહેનત કરી રહી હતી. બીજી તરફ શાતિર અપરાધી બલી સતત લોકેશન ફેરવતો રહેતો હતો. બલી સાથે અનેક ગુનામાં સંડોવાયેલો અને હાલ જામીન ઉપર મુક્ત જયપાલસિંહ જાડેજા અને બલી સતત સંપર્કમાં રહે છે, તેમજ અવાર નવાર મળે છે અને બલીને અાશરો આપવાની વ્યવવસ્થા કરી આપતો હોવાની સચોટ માહિતી મળતા જયપાલ ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. તાજેતરમાં જયપાલ કાળા કલરની સ્કોર્પિયો લઇને બલીને મળવા મોરબી ગયાની માહિતી મળી, જોકે પોલીસ પહોંચે પહેલાં બલી ત્યાંથી સરકી ગયો હતો. બલી સોમવારે સુરેન્દ્રનગરથી બેટી ગામ તરફ આવી રહ્યાની માહિતી મળતા વેશપલટો કરીને પૂરી તૈયારી સાથે વોચમાં ગોઠવાયેલા અધિકારીઓને પરોઢિયે બલી અને તેના 3 સાગરીત અર્જુન રામભાઇ જળુ, અર્જુન ભગવાનજી ડાંગર અને મોરબીના સિકંદર રજાકભાઇ બ્લોચને ઝડપી લીધા હતા.આરોપીઓને આશરો આપનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેમ કમિશનરે જણાવ્યું હતું.

ઓપરેશનની ઇનસાઇડ સ્ટોરી મુજબ, બલી તેના સાગરીતો સાથે થાનમાં એક વાડીના મકાનમાં છુપાયો હતો. માહિતીના આધારે ડીસીપી એસ.આર.ઓડેદરાના નેતૃત્વ હેઠળ ક્રાઇમ બ્રાંચ અને વિવિધ પોલીસ મથકના ચુનંદા અધિકારીઓને રાતથી વેશપલટો કરીને વોચમાં ગોઠવાઇ ગયા હતા.આરોપીઓ હુમલો કરી બેસે તેવી સંભાવના હોવાથી અધિકારીઓને બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટથી સજ્જ રખાયા હતા. આરોપીઓ અંધારાનો લાભ લઇને નાસી છૂટે અને ગફલતમાં પોલીસના હાથે નિર્દોષ કૂટાઇ જાય માટે પોલીસે વહેલી સવારે સહેજ અજવાળું થતાં વાડીના મકાનને ઘેરો ઘાલી દીધો હતો. પૂરી સાવચેતી સાથે અધિકારીઓએ મકાનમાં ઘૂસી બલી સહિત ચારેયને ઊંઘતા ઝડપી લીધા હતા. બલીના ગોડફાધર અને ગેરકાનૂની ધંધામાં ભાગીદાર મનાતા જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા ઉપર રાખેલી વોચ તેમજ મોબાઇલ નંબરના આધારે ટ્રેસ કરેલા લોકેશન પરથી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. કુખ્યાત મહમદ ગોલીના પુત્ર સદામ ઉર્ફે કકુએ બે દિવસ પહેલા જયપાલસિંહ અને ગોંડલના લખધીરસિંહ મારફત બલીને મોકલ્યા હોવાનું ખુલ્યું છે. બલી પકડાઇ ગયાની જાણ થતાં જયપાલ સહિત ત્રણેય સપ્લાયર ભૂગર્ભમાં ઉતરી જતા તેની શોધખોળ ચાલુ છે.પ્રેસ કોન્ફરન્સ સમયે બલી સહિત ચારેય આરોપીને લવાયા તે સાથે બલીએ બરાડા પાડીને કહ્યું હતું કે, પોતાને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તત્કાલીન કમિશનર મોહન ઝાએ ખોટા ગુનામાં તેને સંડોવી દીધો છે. પોલીસે બલીનું મોઢું હાથથી બંધ કરી તેને બાથરૂમમાં પૂરી દીધો હતો. તેની સામે કમિશનર ગેહલોતે કહ્યું હતું કે, અપરાધીઓ આરોપથી બચવા અને તપાસ ડાયવર્ટ કરવા આવા આક્ષેપ કરતા હોય છે.

આનંદીબેને ફસાવ્યાનો આરોપ

હત્યા, ખંડણી અને જમીન કૌભાંડ સહિત 21 ગુનામાં સંડોવાયો હતો : 3 સાગરીત પણ ઝબ્બે

અન્ય સમાચારો પણ છે...