તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોફ્ટવેરે એક્ઝેટ લોકેશન આપ્યું અને પોલીસ વોન્ટેડ બલી સુધી પહોંચી ગઈ

સોફ્ટવેરે એક્ઝેટ લોકેશન આપ્યું અને પોલીસ વોન્ટેડ બલી સુધી પહોંચી ગઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર | રાજકોટ

ચતુરબલી દોઢ વર્ષથી વોન્ટેડ હતો. પોલીસે તેને ઝડપવા વિવિધ દિશામાં અથાગ મહેનત કરી હતી. પરંતુ પોલીસને અત્યાર સુધી હાથતાળી આપવામાં બલી સફળ રહ્યો હતો. જો કે, પોલીસે હાર માની નહોતી અને અંતે બલી ઝડપાયો. તેની ધરપકડ માટે પોલીસની કાબેલિયત અને મહેનત તો કારણભૂત છે પણ તેમાં સૌથી મોટી ભૂમિકા ટેક્નોલોજીએ ભજવી છે. પોલીસ પાસે એક એવું સોફ્ટવેર છે જે મોબાઈલ ફોનને ટ્રેક કરી અને ફોનનો ઉપયોગ કરનારનું એક્ઝેટ લોકેશન આપી શકે છે. એટલે કે, પોલીસે બહુ મોટા વિસ્તારમાં નહીં પણ એક ચોક્કસ અને માત્ર 50 મીટરના ઘેરાવવાળા વિસ્તારમાં અપરાધીની શોધખોળ કરવાની રહે છે. પોલીસે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો અને લોકેશન મળતા ત્રાટકી બલીને ઝડપી લીધો.

બલી અને તેના સાગરીતોને શોધવા છેલ્લા 6 મહિનાથી પોલીસની એક ટીમ કાર્યરત હતી. બલીના સંપર્કમાં રહેતા શખ્સોના મોબાઇલ ઓબ્ઝર્વેશનમાં હતા. મોબાઇલ નંબરના અાધારે પોલીસ આરોપીઓના લોકેશન ટ્રેસ કરી રહી હતી. લોકેશન ટ્રેસ કરવા ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોફ્ટવેરથી અારોપીના મોબાઇલનું જે તે સ્થળના 50 મીટરની અંદરનું લોકેશન મળી જાય. સોફ્ટવેર થકી બલી અને તેના સાગરીતો સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બલી અને તેની ગેંગ દ્વારા અનેક ગુનાહિત કાર્યો કરવામાં આવ્યા છે. તે અંગે થયેલી દરેક ફરિયાદોની અલગ-અલગ તપાસ થશે. તથા દરેક ફરિયાદ અંગે બલીની ધરપકડ થતી રહેશે. એટલે કે, બલીને લાંબો સમય જેલની હવા ખાવી પડશે. બીજી તરફ તેની સામે ઈડી દ્વારા પણ તેની અઢળક સંપત્તી અંગે તપાસ ચાલુ છે.

ઓપરેશનમાં 20 અધિકારી, માત્ર 5 પોલીસ જવાન

ઓપરેશનપાર પાડવા માટે ડીસીપી ઓડેદરા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી, પીઆઇ નિનામા, પીઆઇ વાઘેલા, પીઆઇ જાડેજા,પીઆઇ ગઢવી, ક્રાઇમ બ્રાંચના ધડુક, કે.કે.જાડેજા, કાનમિયા, સોનારા, રાઠવા, વી.અાર.જાડેજા, લાંબા, ધાંધલ સહિત 10 પીએસઆઇ અને ક્રાઇમ બ્રાંચના માત્ર 5 કોન્સ્ટેબલને સાથે રખાયા હતા. જો કે, એસઓજીને ઓપરેશનથી દૂર રખાઈ હતી.

બલીને આશરો આપનાર આરોપીની ધરપકડ થશે

દોઢવર્ષ સુધી ફરાર રહેલા બલી અને તેના સાગરીતોએ રાજસ્થાન, જૂનાગઢ, સરદારપુરા(ભેંસાણ), ભાવનગર, ચોટીલા, ઘુઘરાળા(બાબરા) અને મોરબી સહિતના શહેરમાં આશરો લીધો હતો. બલી ફરાર થયો ત્યારથી અર્જુન જળુ અને અર્જુન ડાંગર તેની સાથે હતા. કમિશનરે જણાવ્યું હતું કે, આરોપીઓ ફરાર હોવાનું જાણવા છતાં તેને આશરો આપનાર દરેક વ્યક્તિ સામે આશરો આપવાના ગુના નોંધી ધરપકડ કરવામાં આવશે.

પોલીસે દબોચી લીધેલા ભૂમાફિયા બલી ડાંગર અને તેના ત્રણ સાગરીતને પોલીસે પત્રકાર પરિષદમાં રજૂ કર્યા ત્યારે માથાભારે મિયાઉની મિંદડી બની ગયા હતા.

કિંમતી જમીન હડપ કરવામાં માહેર બલી પોલીસ પાસે બકરી બની ગયો

બલીનો ગુનાહિત ઇતિહાસ

બલીઉર્ફે બલદેવ ડાંગરના દાદા અને પિતા પોલીસદળમાં હતા. લાઇનબોય બલી અને તેના મિત્રોએ દોઢ દસકા પૂર્વે ચૂંટણી સમયે વિરોધપક્ષના કાર્યકરોને મારીને પોલીસ ચોપડે ચડ્યો હતો. ત્યાર પછી મારામારી, જમીન કૌભાંડ, ફાયરિંગના ગુના નોંધાતા ગયા. ગુનાખોરીની દુનિયામાં નામ થતું ગયું તેમ ગેંગના સભ્યોની સંખ્યા વધવા લાગી, હાલ ગેંગમાં 32 સભ્યો પૈકી મોટાભાગના જેલમાં છે. પુષ્પાપાર્કમાં મોટી જમીન ઉપર જયપાલ સાથે કબજો જમાવ્યો,જામનગર રોડ પર ગઢવી યુવકની હત્યા કરી. પેટ્રોલપંપના સંચાલક કમલેશ રામાણી સાથેના જમીનના ડખામાં બલીએ કમલેશના ખાસ મનાતા મહેશ ગમારા ઉપર ફાયરિંગ કર્યા હતા. લોધિકાના જમીન કૌભાંડના ગુનામાં જેલમાંથી 30 જૂન 2015ના પેરોલ પર છૂટીને ફરાર થયેલા બલીએ 9 જુલાઇ 2015ના તરઘડિયાની વિવાદી જમીન મામલે ખેરડીના અરજણ ભરવાડ અને મહેશ બોરીચાનું અપહરણ કરી ફાયરિંગ કર્યા હતા. 12 અોગસ્ટે માનસરોવર પાર્કમાં મહેશના મામા જીવણ મુંધવાના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યા હતા. ત્યાર બાદ ઢેબર રોડ પર કરોડોની કિંમતના પંડ્યા હાઉસ મકાનના ભાડૂઆતોને ધાક ધમકી આપી ખાલી પચાવી પાડવાનો ગુનો નોંધાયો હતો. બલી અત્યાર સુધીમાં ચાર વખત પાસાતળે જેલયાત્રા કરી ચૂક્યો છે.

બલી આણી મંડળીને શોધવા છેલ્લા 6 મહિનાથી પોલીસની એક ટીમ કાર્યરત હતી

અત્યાર સુધી પોલીસને હાથતાળી આપવામાં સફળ બલી ટેક્નોલોજી સામે હારી ગયો

અન્ય સમાચારો પણ છે...