તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પતિએ પત્નીની નજર સામે ચાલુ બસમાંથી મોતની છલાંગ લગાવી

પતિએ પત્નીની નજર સામે ચાલુ બસમાંથી મોતની છલાંગ લગાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક જીવાપર ગામના પાટિયા નજીક રવિવારે વહેલી સવારે પરપ્રાંતીય શ્રમિકે દાહોદ-ગોંડલ રૂટની એસ.ટી.ની બસની બારીમાંથી ચાલુ બસે બહાર કૂદકો માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પત્નીની નજર સામે પતિએ મોતની છલાંગ મારતા પત્ની હતપ્રભ બની ગઇ છે. યુવકે સાળી સાથે પ્રેમલગ્ન કરી લીધા પછી રિસામણે ચાલી ગયેલી પત્નીને મનાવીને પરત લઇને આવી રહ્યો હતો ત્યારે બનાવ બન્યો હતો.

મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના નાનીપોર ગામનો વતની નાનજીભાઇ દલસીભાઇ પલાટિયા પત્ની સાથે રાજકોટમાં રહી ખેતમજૂરી કરતો હતો. સાળી સાથે પ્રેમ થઇ જતા પત્નીની જાણ બહાર તેણે સાળી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. વાતની પત્નીને જાણ થતાં તે રિસામણે વતન ચાલી ગઇ હતી. થોડા સમય પછી નાનજી પલાટિયા વતન ગયો હતો અને રિસાયેલી પત્નીને પરત રાજકોટ આવવા મનાવી લીધી હતી. શનિવારે તે દાહોદ-ગોંડલ રૂટની બસમાં પત્ની સાથે રાજકોટ આવી રહ્યો હતો. કુવાડવા નજીકથી બસ પસાર થઇ રહી હતી ત્યારે બસમાં છેલ્લી સીટની બારીમાંથી તેણે મોતની છલાંગ લગાવી દેતાં પત્નીએ ચીસાચીસ કરી મૂકી હતી. ડ્રાઇવરે બસને ઊભી રાખી હતી, બારીમાંથી ચાલુ બસે કૂદી જનાર યુવકને માથામાં ગંભીર ઇજા થઇ હોવાથી તેને કુવાડવા હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પત્ની આવી ગયા પછી સાળીને સાથે કઇ રીતે રાખવી ચિંતામાં તેણે આવું પગલું ભરી લીધાનું પોલીસનું તારણ છે.

સાળી સાથે પ્રેમલગ્ન કર્યા પછી રિસામણે ચાલી ગયેલી પત્નીને મધ્યપ્રદેશથી મનાવીને પરત લાવી રહ્યો હતો ત્યારે ભરેલું પગલું

કુવાડવા રોડ પર દાહોદ-ગોંડલ રૂટની બસમાંથી ચાલુ બસે કૂદી ગયો

અન્ય સમાચારો પણ છે...