• Gujarati News
  • તલવાર, ગુપ્તી, લોખંડની મૂઠ, ધારદાર છરા સહિત 257 હથિયારનો જથ્થો મળ્યો

તલવાર, ગુપ્તી, લોખંડની મૂઠ, ધારદાર છરા સહિત 257 હથિયારનો જથ્થો મળ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ હોટેલ માલિક રાજકોટના આરીફ કારબાણી સહિત પાંચની ધરપકડ

{ હથિયાર વેચનાર ચોટીલાના બે ઇસમો પોલીસને જોઇ ભાગી ગયા, બંનેની શોધખોળ

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

રાજકોટનીભાગોળે અમદાવાદ રોડ પર કુચિયાદળની ઇન્ડિયા હોટેલમાં પોલીસે શુક્રવારે રાત્રે દરોડો પાડી તલવાર, ગુપ્તી, છરી સહિત 257 ઘાતક હથિયાર સાથે હોટેલના માલિક રાજકોટના આરીફ કારબાણી સહિત પાંચ ઇસમોને દબોચી લીધા હતા. હથિયારો હોટેલની જે દુકાનોમાં વેચાતા હતા તે દુકાનનો સંચાલક અને કર્મચારી નાસી જતાં પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટમાં હત્યા સહિતના ભારે ગુનાઓનું પ્રમાણ વધતા, લુખ્ખાઓને કાબૂમાં લેવા માટે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે છેલ્લા ચારેક દિવસથી શહેરમાં રાત્રે કોમ્બિંગ શરૂ કરાવ્યું છે. શુક્રવારે રાત્રે ક્રાઇમબ્રાંચના પીએસઆઇ કે.એન.લાઠિયા અને કુવાડવા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વરૂ સહિતનો સ્ટાફ રાત્રે કુવાડવા રોડ પર હોટેલ-ધાબાનું ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે હકીકત મળી હતી કે, કુચિયાદળમાં આવેલી હોટેલ ઇન્ડિયામાં ગેરકાયદે હથિયારનું વેચાણ થાય છે.

હકીકત મળતાં પોલીસ કાફલો હોટેલ ઇન્ડિયા ધસી ગયો હતો. હોટેલમાં આવેલા નોવેલ્ટી સ્ટોરમાં પોલીસે તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. દુકાનમાથી વિવિધ પ્રકારની તલવાર, છરી, ગુપ્તી અને લોખંડની મૂઠનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.54350ની કિંમતના 257 તીક્ષ્ણ હથિયાર કબજે કર્યા હતાં. પોલીસે સ્થળ પરથી હોટેલ માલિક રાજકોટના હાથીનાખામાં રહેતા આરીફ ઇબ્રાહિમ કારબાણી, ઇરફાન દિલાવર દિવાન, ઇદ્રિશ દિલાવર દિવાન, રમજાન દિલાવર દિવાન અને કર્મચારી સફીબેગ મહમદબેગ મિરઝાની ધરપકડ કરી હતી.

પોલીસને જોતા નોવેલ્ટી સ્ટોરનો સંચાલક ચોટીલાનો જાવેદ ઇલ્યાસખાન વોરા તથા તેનો કર્મચારી ઉસ્માન ગની ઉર્ફે મુન્નો ગુલામનબી વોરા નાસી ગયા હતાં. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરોકત હોટેલમાં નોવેલ્ટી સ્ટોરના ઓઠા હેઠળ ઘાતક હથિયારોનું ગેરકાયદે વેચાણ થતું હતું. હથિયાર કયાથી આવતા હતા, કોણ-કોણ લઇ જતું હતું, અન્ય કોઇની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે નાસી છૂટેલા જાવેદ વોરા અને ઉસ્માન મળ્યા બાદ વિશેષ હકીકત પ્રકાશમાં આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.

કુચિયાદળ નજીક આવેલી હોટેલમાંથી પોલીસે હોટેલ માલિક સહિત પાંચ શખ્સોને હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપી લીધા હતા.

મૂઠવાળી તલવાર 45

સીધી તલવાર 8

નાની તલવાર 18

મોટી ગુપ્તી 8

નાની ગુપ્તી 25

નાની હોકી 3

વિવિધ પ્રકારની છરી 120

લોખંડની મૂઠ 25

બેઝબોલના ધોકા 5

આટલાં હથિયાર કબજે થયાં

રાજકોટની ભાગોળે ઈન્ડિયા હોટેલમાં શુક્રવારની મધરાતે ડીસીબી ત્રાટકી