• Gujarati News
  • National
  • ફેક્ટરીના ખાતામાંથી 13.88 લાખ ટ્રાન્સફર કરી લીધા

ફેક્ટરીના ખાતામાંથી 13.88 લાખ ટ્રાન્સફર કરી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરમાં રહેતા અને શાપર-વેરાવળમાં ફેક્ટરી ધરાવતાં કારખાનેદારના નામે બોગસ સીમ કાર્ડ મેળવી ગઠિયાએ યેનકેન પ્રકારે બેંકના યુઝર આઇડી સહિતની વિગતો મેળવી લઇ કારખાનાના ખાતામાંથી રૂ.13.88 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરાયેલા કારખાનેદારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

શહેરના ગીતામંદિર પાછળ ઓમ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપરમાં અેપેક્ષ ઇરિગેશન નામે ફેક્ટરી ધરાવતાં રવિભાઇ ધીરજલાલ વાગડિયા (ઉ.વ.40)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. રવિભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.22 ડિસેમ્બરના પોતે તેમના માતાની સારવાર માટે અમદાવાદ જતાં હતા ત્યારે અચાનક તેમનો બીએસએનએલના નંબરનો મોબાઇલ બંધ થઇ ગયો હતો. નેટવર્ક નહીં હોય તેમ સમજ્યું હતું, પરંતુ શહેરમાં પહોંચ્યા બાદ પણ નેટવર્ક નહીં મળતાં કંઇક ખોટું થયાની શંકાઅે તેમના કર્મચારીઓને બીએસએનએલની ઓફિસે મોકલ્યા હતા, પરંતુ કોઇ પ્રત્યુત્તર મળ્યો નહોતો.

દરમિયાન તા.24ના રવિભાઇ પરત આવ્યા ત્યારે તેમની ફેક્ટરીના કર્મચારીએ ફેક્ટરીના એકાઉન્ટમાંથી રૂ.13.88 લાખ અન્ય નંબરમાં ટ્રાન્સફર થઇ ગયા અંગેની જાણ કરી હતી. જે બેંકના ખાતામાંથી રકમ ટ્રાન્સફર થઇ હતી તે દેનાબેેેંકના ઉપરોક્ત ખાતામાં નેટ બેન્કિંગનો વ્યવહાર માત્ર રવિભાઇ કરતા હતા અને તેમણે રકમ ટ્રાન્સફર કરાવી નહીં હોવાથી કોઇ ગઠિયો ખેલ પાડી ગયાની શંકા ઊઠી હતી. રવિભાઇએ આ અંગે ટેલિકોમ કંપનીમાં તપાસ કરતાં તેમના નામે તા.22 ડિસેમ્બરના નવું સીમકાર્ડ ઇશ્યૂ થયાનું ખુલ્યું હતું અને નવું સીમકાર્ડ મેળવ્યા બાદ ગઠિયાએ બેંક અેકાઉન્ટના યુઝર આઇડી લોગીન, પાસવર્ડ અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ કોઇપણ રીતે મેળવ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા ચોક્કસ ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા.

પોલીસે રવિભાઇની ફરિયાદ પરથી સીમ મેળવી છેતરપિંડી આચરનાર સામે આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...