ડાન્સરે વેપારી ભાઇઓને રૂ.10 લાખનો ધુંબો માર્યો
પંચાયતનગરચોક પાસે આવેલા ડાન્સ ક્લાસિસના સંચાલકે વેપારી બંધુ પાસેથી બે દિવસ માટે રૂ.10 લાખ ઉછીના લીધા બાદ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી
બાલમુકુંદ પ્લોટમાં રહેતા અને ગોંડલ રોડ પર વિકાસ મશીનરી નામે મશીન ટુલ્સનો વેપાર કરતા હાર્દિકભાઇ સનતભાઇ મહેતાઅે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પંચાયતનગર ચોક પાસે આવેલા બાદશાહ ડાન્સ ક્લાસિસના સંચાલક જયેશ હંસરાજ ઠાકોરનું નામ આપ્યું હતું. હાર્દિકભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇન્દિરા સર્કલ પાસે રહેતા તેના પિતરાઇ ભાઇ દર્શનભાઇની પુત્રી જયેશ ઠાકોરના ડાન્સ ક્લાસમાં ચાર વર્ષ પહેલા જતી હોય દર્શનભાઇ મારફત જયેશ ઠાકોરનો પરિચય થયો હતો.
થોડા દિવસો પૂર્વે જયેશ ઠાકોર ધંધા માટે નાણાંની જરૂરિયાત હોવાનું કહી રૂ.10 લાખ માગ્યા હતા અને બે દિવસમાં પરત કરી દેવાની ખાતરી આપી હતી. હાર્દિકભાઇ અને દર્શનભાઇએ મળી રૂ.10 લાખ એકઠા કરી ગત 12મી નવેમ્બરના બાદશાહ ક્લાસિસ ખાતે જઇ જયેશ ઠાકોરને રૂ.10 લાખ આપ્યા હતા, વખતે પણ જયેશે બે દિવસમાં નાણાં પરત કરી દેવાનો વિશ્વાસ આપ્યો હતો.
અનેક દિવસ વીતી જવા છતાં ડાન્સર જયેશે નાણાં પરત નહીં કરતા બંને ભાઇઓ ડાન્સ ક્લાસે પહોંચ્યા હતા અને નાણાંની ઉઘરાણી કરતા જયેશ ઠાકોરે તીક્ષ્ણ હથિયારથી હુમલાની કોશિશ કરતા હાર્દિકભાઇ અને દર્શનભાઇ દોડીને નાસી ગયા હતા. બનાવ અંગે અંતે હાર્દિકભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જયેશ ઠાકોરની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.
ડાન્સરે પરિચય કેળવી ‘ડિસ્કો’ કર્યો
પરિચીતે બે દી’ બાદ રકમ પરત નહીં કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો