Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » મકાન વેરાના નામે નકલી મહાનગરપાલિકા અધિકારી બે સ્થળેથી 1.31 લાખ લઇ ગયો

મકાન વેરાના નામે નકલી મહાનગરપાલિકા અધિકારી બે સ્થળેથી 1.31 લાખ લઇ ગયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:55 AM

મેયરે સજાગ રહેવા જણાવવા છતાં લોકો ઠગનો શિકાર બની રહ્યાં છે ભોગ બનનાર બે વેપારીની અરજી બાદ પોલીસે ગુનો...

  • મકાન વેરાના નામે નકલી મહાનગરપાલિકા અધિકારી બે સ્થળેથી 1.31 લાખ લઇ ગયો
    મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારીના નામે કોઇ મકાન વેરાની રકમ વસૂલવા આવે તો રોકડ રકમ ન આપવાની બે દિવસ પહેલાં જ શહેરના મેયર બિનાબેન આચાર્યએ લોકોને અનુરોધ કર્યો હતો. તેમ છતાં લોકો ગઠિયાઓની વાતમાં આવી જઇ નાણાં આપી ઠગનો શિકાર બની રહ્યાં છે. આવા જ કિસ્સામાં પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા ક્રિષ્ના પાર્કમાં રહેતા બે વેપારીની ગેરહાજરીમાં તેમની પત્નીઓને યેનેકેન પ્રકારે શીશામાં ઉતારી રૂ.1.31 લાખની રોકડ લઇ રફુચક્કર થઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. નકલી અધિકારીના સ્વાંગમાં ગઠિયો લલિતભાઇ અરજણભાઇ પાંભર અને શ્રધ્ધાદીપ સોસાયટી-2માં રહેતા હરેશભાઇ પરસોત્તમભાઇ પટેલ નામના વેપારીઓનાં ઘરે જઇ કળા કરી ગયો છે.

    પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગત 2 ઓગસ્ટના રોજ રાતે 8 વાગ્યે લલિતભાઇ તેમની મેટોડામાં આવેલી કરિયાણાની દુકાને હતા. તેવા સમયે તેમના ઘરે એક શખ્સ આવ્યો હતો અને તેમની પત્નીને પોતે મહાનગરપાલિકાનો અધિકારી પટેલ સાહેબ હોવાની ઓળખ આપી હતી. જેથી પત્નીએ પતિને ફોન પર વાત કરી હતી. આ સમયે તે શખ્સે પત્ની પાસેથી ફોન લઇ લલિતભાઇ સાથે વાત કરી તમારા મકાનનું વેરા બિલ આવી ગયું છે સહિતની વાત કરી તે બીજા દિવસે સવારે આવશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ ગઠિયાએ લલિતભાઇની પત્નીને કહ્યું કે, લલિતભાઇ કામમાં હોય તેમણે કબાટમાં પડેલા રૂ.500ના બંડલમાંથી ચાર નોટ કાઢી બાકીના મને આપી દેવા કહ્યું છે. ત્યારે લલિતભાઇની પત્નીને વિશ્વાસ આવે તે માટે ખોટો દેખાવ કરી લલિતભાઇ સાથે વાત કરતો હોય તેવું નાટક કર્યું હતું. જેથી લલિતભાઇની પત્નીને વિશ્વાસ આવી જતા કબાટમાંથી 98 હજાર આપી દીધા હતા. બાદમાં રાતે લલિતભાઇ ઘરે પહોંચતા પત્નીએ વાત કરતા તેઓ ગઠિયાનો શિકાર બન્યાની ખબર પડી હતી. જેથી બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અરજીની તપાસ શરૂ કરતાં જ આ જ ઢબે શ્રધ્ધાદીપ સોસાયટી-2માં રહેતા હરેશભાઇ પરસોત્તમભાઇ પટેલ નામના વેપારીને પણ ગઠિયાએ શિકાર બનાવ્યાંનું ખુલ્યું હતું. અહીંથી પણ વેપારીની પત્નીને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લઇ 33,250ની રોકડ મકાન વેરાના નામે લઇ રફુચક્કર થઇ ગયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending