• Gujarati News
  • મેટોડાથી દંપતીને મૂકવા ગયા બાદ લાપતા હોટેલના ભાગીદારની હળવદ નજીક લાશ મળી

મેટોડાથી દંપતીને મૂકવા ગયા બાદ લાપતા હોટેલના ભાગીદારની હળવદ નજીક લાશ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર સાથે ફરાર દંપતીની ઓરડીમાં લોહીના ખાબોચિયાં મળ્યા

ક્રાઇમ રિપોર્ટર. રાજકોટ

લોધિકાતાલુકાના મેટોડા જીઆઇડીસીમાં ભાગીદારમાં પટેલ રેસ્ટોરન્ટ ધરાવતા નટવરદાસ ઠાકરસીદાસ માધવાચાર્ય (ઉ.વ.63) મંગળવારે રાતે રસોડામાં કામ કરતા ખેડાના દંપતીને પોતાની કારમાં વાજડી(વડ) ગામમાં મૂકવા ગયા પછી લાપતા બની ગયા હતા. સવારે મોડે સુધી પરત નહીં આવેલા વૃધ્ધની શોધખોળ ચાલી રહી હતી સમયે હળવદના કવાડિયા ગામના પાટિયા નજીકથી નટવરદાસની હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. વૃધ્ધ દંપતીને તે મૂકવા ગયા હતા દંપતીના ભાડાના મકાનમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા, તેમજ દંપતી પણ ગુમ હોવાથી હત્યામાં દંપતીની સંડોવણી સ્પષ્ટ બની છે.

મણિદ્વીપ મંદિર નજીક શ્રીજીદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને જીઆઇડીસીમાં અશ્વિન ઝાલાવાડિયા સાથે ભાગીદારીમાં પટેલ રેસ્ટોરન્ટ ધરાવતા નટવરદાસ માધવાચાર્યની હોટેલમાં ખેડાનો હરિપ્રસાદ ફતેસિંહ ઝાલા અને તેની પત્ની નિશા હરિપ્રસાદ 3 મહિનાથી રસોયા તરીકે નોકરી કરે છે. દંપતી હોટેલ બંધ થયા પછી વાજડી વડમાં પ્રભાતસિંહ સોલંકીના ભાડાના મકાને સૂવા જતા. બુધવારે કારખાના બંધ રહેતા હોવાથી મંગળવારે હોટેલ મોડીરાત સુધી ચાલુ રહેતી. રાતે વાહન મળવા મુશ્કેલ હોવાથી નટવરદાસ પોતાની સ્વિફ્ટ કારમાં રસોઇયા દંપતીને વાજડી ગામ સુધી મૂકવા જતા હતા.

મંગળવારે રાતે નટવરદાસ દંપતીને કારમાં મૂકવા ગયા હતા, તેમણે પોતાના ઘરે પણ સવારે આવીશ તેવી જાણ કરી હતી. બુધવારે સવારના મોડે સુધી નટવરદાસ પરત નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. રાતે છેલ્લે રસોયા દંપતીને મૂકવા ગયા હોવાથી દંપતીના ઘરે તપાસ કરવા ગયા, પરંતુ ત્યાં તાળું લટકતું હતું. પોલીસે દરવાજો ખોલીને તપાસ કરતા રૂમમાં લોહીનું ખાબોચિયું નજરે પડતાં અજૂગતું બન્યાની શંકા દૃઢ બની હતી. વૃધ્ધની શોધખોળ ચાલુ હતી સમયે હળવદના કવાડિયા ગામના પાટિયા નજીકથી વૃધ્ધની હત્યા કરાયેલી લાશ મળ્યાની માહિતી મળી હતી. પેટમાં છરીના આડેધડ ઘા મારી હત્યા કરવામાં આવી હતી. લાપતા વૃધ્ધ અને લાશના વર્ણનમાં સામ્યતા જણાતા ફોજદાર પી.જી.સરવૈયાએ હળવદ પોલીસ મારફત લાશના ફોટા વોટ્સએપથી મગાવ્યા હતા. લાશ નટવરદાસની હોવાનું પુત્ર લાલા અને હોટેલના ભાગીદાર અશ્વિને ઓળખી બતાવી હતી. હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની ચર્ચા છે.

સ્થળ પરથી કારની લોહીવાળી સીટ, ગોદડા મળ્યા

કવાડિયાનાપાટિયાનજીક જ્યાંથી લાશ મળી તેનાથી થોડે દૂર લોહીના ડાઘવાળી કારની સીટ અને ગોદડા મળ્યા હતા. હત્યામાં શકમંદ દંપતીના મકાનમાંથી લોહીના ડાઘ મળ્યા હતા, તેમજ વૃધ્ધની કાર પણ ગાયબ હોવાથી દંપતીએ વાજડીમાં પોતાની ઓરડીમાં વૃધ્ધની હત્યા કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા લશાને ગોદડામાં વીંટી મરનારની કારમાં લાશને કવાડિયા નજીક ફેંકી હોવાનું પોલીસનું તારણ છે.