જીટીયુને દેશની 20 યુનિવર્સિટીઓમાં સ્થાન

જીટીયુને દેશની 20 યુનિવર્સિટીઓમાં સ્થાન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:55 AM IST
ગુજરાતના શિક્ષણનું સ્તર કથળી રહ્યાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે ત્યારે આ ચર્ચા પર બ્રેક લાગે તેવા સમાચાર સાંપડ્યા છે. ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિરેન્ક દ્વારા ભારત સહિત વિશ્વના વિવિધ દેશોની 13600 જેટલી યુનિવર્સિટીઓનું ગ્લોબલ રેન્કિંગ અાપવામાં આવે છે જેમાં ભારતની 878 સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી અને તેમાં જીટીયુ(ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી)એ 16મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દેશમાં છેક 97મુ સ્થાન મેળવ્યું છે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.નવિનભાઇ શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતીઓ પર એક મ્હેણું હતું કે ગુજરાતીઓ વેપાર કરી જાણે. આ મહેણું જીટીયુએ ભાંગી નાખ્યું છે. ઇન્ડિયન સોસાયટી ફોર ટેક્નિક એજ્યુકેશન(આઇ.એસ.ટી.ઇ.)ના સર્વેમાં ‘બેસ્ટ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી)નો રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયા સ્થિત યુનિરેન્ક નામની સંસ્થાના સર્વેમાં ટોપ-20માં સ્થાન મેળવી વધુ એક સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

યુનિરેન્કની રેન્કિંગ સિસ્ટમ વિશે જણાવતા ડો.નવિનભાઇ શેઠે જણાવ્યું હતું કે યુનિવર્સિટી રેન્કિંગ અગ્રગણ્ય શિક્ષણ ડિરેક્ટરી અને સર્ચ એન્જિન છે. જેમાં 200 દેશોની સત્તાવાર રીતે માન્ય 13600 યુનિવર્સિટીઓ અને કોલેજોને રેન્કિંગ આપવામાં આવે છે. આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં ભારતની 878 શૈક્ષણિક સંસ્થાઓને આવરી લેવામાં આવી હતી. આ રેન્કિંગના માપદંડોમાં ભારતીય ઉચ્ચ શિક્ષણની પધ્ધતિમાં બેચલર, માસ્ટર, પીએચડીની પદવી સત્તાવાર રીતે આપવામાં આવતી હોય, સર્વત્ર માન્ય હોય, શિક્ષણની પધ્ધતિ, પત્રવ્યવહારથી શિક્ષણની ન હોય વિગેરેનો સમાવેશ થાય છે. જીટીયુએ આઇઆઇટી, આઇ.આઇ.એસ.સી., યુનિવર્સિટી ઓફ દિલ્હીની હરોળમાં સ્થાન મેળવ્યું છે. તેમજ ઇનોવેશન સ્ટાર્ટઅપમાં પણ જીટીયુનું ઉત્કર્ષ કાર્ય રહ્યું હતું. આગામી 21મી સદી ગુજરાતના શિક્ષણની રહેશે.

રેન્કિંગમાં ગુજરાતની યુનિવર્સિટીઓનું સ્થાન

યુનિવર્સિટીનું નામ દેશમાં રેન્ક ગ્લોબલ રેન્ક

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી 16 1155

ગુજરાત યુનિવર્સિટી 62 2403

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 97 3228

નિરમા યુનિવર્સિટી 101 3298

એમ.એસ.યુનિવર્સિટી 102 3328

ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ 124 3957

સરદાર પટેલ યુનિવર્સિટી 150 4386

પંડીત દિનદયાળ પેટ્રોલિયમ યુનિ. 229 5676

આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી 235 5699

X
જીટીયુને દેશની 20 યુનિવર્સિટીઓમાં સ્થાન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી