પેઢલા મગફળી કૌભાંડમાં મગન અેન્ડ કંપનીએ કઇ રીતે આખા મામલાને અંજામ દીધો હતો તે બહાર આવ્યું છે. પોલીસે વેપારી અને ઓઇલમિલરની અટકાયત કરી હતી તે કશુ બોલ્યા ન હતા પણ તેમના ત્યાં માલની ડિલિવરી કરતા ટ્રકચાલકો અને માલ ઉતારતા મજૂરોએ ભાંડાફોડ કર્યો હતો. તે મુજબ મોટી ધાણેજથી મગફળી સીધી ગોડાઉન પહોંચી જ નહોતી. તેને બદલે કેશોદ અને પછી જેતપુરથી બીજો માલ ભરાઈને ગોડાઉનમાં ઠાલવવામાં આવ્યો હતો. પોલીસે મગફળી કૌભાંડમાં કેશોદની ક્રાંતિ ઓઇલમિલના માલિક રાજેશ વડારિયા તેમજ જેતપુર યાર્ડમાં અલંકાર ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા વિશાલ સથરેલિયાની અટકાયત કરી હતી. બંનેએ કશી કબૂલાત આપી ન હતી, પણ બંનેના સ્થળ પર તપાસ કરતા દસ્તાવેજોમાં માલની ડિલિવરી માટે આવતા ટ્રકચાલક અને ટ્રક નંબર તેમજ સંપર્કો હતા. તેના આધારે પોલીસ ટ્રકચાલકો સુધી પહોંચી હતી અને ત્યાં આખી મોડસઓપરેન્ડી બહાર આવી હતી. ડીવાયએસપી જે.એમ. ભરવાડે જણાવ્યું હતું કે, ટ્રકચાલકોને સૌથી પહેલા માેટી ધાણેજથી મગફળી ભરવાનું કહેવાતું હતું. આ મગફળી કેશોદની ક્રાંતિ ઓઇલ મિલમાં ખાલી કરવામાં આવતી હતી. ત્યારબાદ ખાલી ટ્રક લઇને જેતપુરની જલારામ સોસાયટીમાં બંધ પડેલા જૂના સાડીના ગોડાઉનમાં જતા હતા. અહીં બીજી મગફળીનો માલ ભરવામાં આવતો હતો અને તે પેઢલાના ગોડાઉનમાં ઉતારવામાં અાવતો હતો.
પોલીસે સમય ગુમાવ્યે માલ ઉતારતા મજૂરોની તપાસ કરતા મજૂરોએ કબૂલાત આપી હતી કે, રાજેશ અને વિજયે તેમને હલકી ગુણવત્તા વાળી મગફળી અને કાંકરા અને ઢેફા ભેળવવાનું કામ અપાયું હતું અને પછી એ માલ ટ્રકમાં ચડાવવામાં આવતો હતો. ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળીમાં ભેળસેળને બદલે માલ જ બદલી નાખવાની એમ.ઓ. બહાર આવતા હવે પેઢી, મિલર અને મગન વચ્ચે કઇ રીતે આર્થિક લેવડ દેવડ થતી હતી તે મામલે તપાસ હાથ ધરી છે.
વાઘજી બોડાનું કોંગ્રેસમાંથી રાજીનામું
ટંકારા | રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા મગફળીકાંડમાં દરરોજ નવા નવા ધડાકાઓ થઇ રહ્યા છે ત્યારે ગુરુવારે સવારે નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ કોંગ્રેસના સભ્યપદેથી પોતાનું રાજીનામું પ્રદેશને મોકલી આપ્યું હતું. જોકે રાજીનામાની પૂર્વે બુધવારે ટંકારા ખાતે મળેલી કોંગ્રેસની કારોબારીમાં મગફળીકાંડ મુદ્દે આક્રમક તેવર દાખવી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.રાજીનામા બાદ બોડાની પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કરતા કંઈ જ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી રાજીનામું ધરી દીધાનું જણાવ્યું હતું. નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના સભ્યપદેથી ઓચિંતું રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ શરૂ થઇ છે. બોડાએ રાજીનામા પત્રમાં જણાવ્યા પ્રમાણે નાફેડ દેશ લેવલની સંસ્થા હોય જેમાં દરેક પક્ષના ડિરેક્ટરો આ સંસ્થામાં સેવા આપતા હોય છે, તેમજ નાફેડમાં મારી જવાબદારીના કારણે મેં કોંગ્રેસના બેનર હેઠળ મગફળી વિષે જે નિવેદન આપેલું છે તે નિવેદન આપવામાં મારી ઉતાવળ થઇ હોય તેથી હું કોંગ્રેસ પક્ષમાંથી મારું રાજીનામું આપું છું. વાઘજીભાઈ બોડાનો સંપર્ક કરતા કોઈ કોમેન્ટસ આપવા નનૈયો ભણી માત્ર રાજીનામા અંગે હા કહી હતી.
ઘડીભર તો પોલીસ પણ માની ગઇ છે કઇ ગેરરીતિ નથી
કૌભાંડની રીત છુપાવવા માટે કાળજી સાથે દસ્તાવેજો તૈયાર થયા
ટ્રક નંબર પરથી ખરાઈ કરતા મામલો બહાર આવ્યો
ભાસ્કર ન્યૂઝ | રાજકોટ
પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા સાથે કેશોદના ઓઇલમિલર રાજેશ અને જેતપુર યાર્ડમાં પેઢી ધરાવતા વિશાલની પૂછપરછ અને દસ્તાવેજો ચકાસ્યા હતા. બંનેએ ખૂબ સાવચેતી પૂર્વક દસ્તાવેજો તૈયાર કર્યા હતા જે મુજબ જેટલો માલ અલંકાર ટ્રેડર્સમાંથી નીકળ્યો હતો તે તમામ ક્રાંતિ ઓઇલમિલમાં પહોંચ્યાના કાગળો જોવા મળ્યા હતા.
આ ઉપરાંત માલ પહોંચાડવા માટે આરટીજીએસ કર્યાની નકલો પણ જોવા મળી હતી. આ કાગળો જોઇને પોલીસને પણ ઘડીભર માટે એવું લાગ્યું કે, મગફળીના જથ્થામાં કોઇ ગેરરીતિ થયેલી નથી. દસ્તાવેજો ચકાસતા સમયે માલની આવક જાવક માટેના રજિસ્ટરમાં ટ્રક નંબર અને ચાલકનું નામ સહિતની વિગતો મળી હતી. જેના આધારે પોલીસે ટ્રકચાલકોનો સંપર્ક સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મોટી ધાણેજથી મગફળી ભરીને કેશોદની ઓઇલમિલમાં ખાલી કરવાનું અને ત્યાંથી ખાલી ટ્રક લઇને જેતપુરથી માલ ભરવામાં આવતો હતો અને પછી પેઢલા પહોંચતા હતા. પોલીસે ટ્રકચાલકને સાથે રાખીને જેતપુરના જલારામ સોસાયટીના સાડીના ગોડાઉનમાં ગયા હતા. માલ ભરવા માટે રોકાયેલા મજૂરને પોલીસે શોધી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો આપી હતી કે, રાજેશ અને વિશાલે તેમને હલકી ગુણવત્તાવાળી મગફળીના કોથળા ભરવા અને તેમાં કાંકરા ભરીને વજન કરી સીવી નાખવાનું અને પછી માલ ટ્રકમાં ભરી દેવાની સૂચના આપી હતી. પોલીસે મજૂરો પાસે આ મામલે નિવેદન લઇને રાજેશ અને વિશાલના રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, જે દસ્તાવેજો બંને પેઢીઓ વચ્ચે લેવડ-દેવડ બતાવતી હતી તે પણ નકલી નીકળ્યા છે.
ત્રણેય વચ્ચેનો આર્થિક વ્યવહાર કૌભાંડની મહત્ત્વની કડી
મગન, રાજેશ અને વિશાલે સિફ્તપૂર્વક મગફળી બદલવાનું અને વેચવાનું કૌભાંડ આચરી નાખ્યું હતું, પણ તેઓ આ મગફળી માટેનો નાણાકીય વ્યવહાર કઇ રીતે કરતા હતા તે હજુ બહાર આવ્યું નથી. રાજેશ ઓઇલમિલ માટે મગન પાસેથી મગફળી ખરીદતો હતો અને બિલ અલંકાર ટ્રેડર્સના બતાવતા હતા. આ અલંકાર ટ્રેડર્સનો વિશાલ વળી પોતાએ ખરીદેલી ખરાબ મગફળી મગનના ગોડાઉનમાં મોકલી આપતો હતો. ત્રણ વચ્ચે કરોડોની મગફળીના વ્યવહાર થયા પણ તેમાં પૈસાની લેવડ દેવડ શું હતી તે બહાર આવી હતી. જો આ વિગત બહાર આવે તો કૌભાંડનું આખું કોકડું ગૂંચવાઈ જાય તેમ છે.
કોથળા કાંડ | આગ લાગી તેના બે દી’ પહેલા હજારો ખાલી બારદાન સગેવગે કરી દેવાયા હતા
ગુજકોટે ભાડું તો ન આપ્યું, રાજકોટ માર્કેટ યાર્ડને નુકસાનીનું વળતર પણ ચૂકવ્યું નથી
રાજકોટ | રાજકોટ જૂના યાર્ડમાં ગત માર્ચ માસમાં ખાલી બારદાન જ્યાં રાખવામાં આવ્યા તે પ્લેટફોર્મ પર આગ લાગી હતી. મગફળીની જેમ હવે કોથળા કાંડ થયું હોવાનું ધ્યાને આવ્યું છેે. અંગત સૂત્રોએ માહિતી આપી છે કે ખાલી બારદાન સળગ્યા તેના બે દિવસ પહેલા મોટાભાગના ખાલી બારદાન ટ્રકમાં ભરીને બારોબાર સગેવગે કરી લેવામાં આવ્યા હતા. આ કામગીરી સતત બે દિવસ ચાલી હતી અને તેના ત્રીજા દિવસે આગ લાગી હતી.વધુમાં આ કાંડમાં એ તો સ્પષ્ટ પણે સીસીટીવીમાં દેખાઈ છે કે કોઈ મજૂર માણસ પ્લેટફોર્મની બહાર નીકળ્યો એની ચોથી જ સેકેન્ડમાં આગ લાગી હતી.જો કે આ સંર્દભમાં પોલીસ હજુ નિવેદન શોધી રહી છે.મૂળ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી.
યાર્ડના સૂત્રોના જણાવ્યાનુસાર ખાલી બારદાન રાખવા માટે પ્લેટફોર્મ યાર્ડ તરફથી ગુજકોટને માત્ર વાપરવા માટે આપ્યું હતું.આ માટેના કોઇ કરાર પણ કરાયા ન હતા. ખાલી બારદાન સળગી ગયા બાદ હાલ આ પ્લેટફોર્મ ખૂબ જ ભયજનક હાલતમાં છે.ગમે ત્યારે અકસ્માત થાય તેવી ભીતિ છે. આ અંગે યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાના જણાવ્યાનુસાર ગુજકોટે ભાડું તો નથી ચૂકવ્યું પણ તેની નુકસાનીનું વળતર પણ ન ચૂકવ્યું.આ અંગે ગુજકોટના અધિકારીને પત્ર લખ્યો છે અને નુકસાનીનું વળતર ચૂકવવા માંગણી કરી છે.જો વળતર ચૂકવવામાં નહીં આવે તો ગુજકોટ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગુજકોટના MD સહિત 5 અધિકારીની પોલીસે મોડી રાત સુધી પૂછપરછ કરી
કોની શું જવાબદારી છે તેની તપાસ અને દસ્તાવેજોની સર્ટિફાઈડ કોપી લેવાઇ
ભાસ્કર ન્યૂઝ | રાજકોટ
પેઢલા મગફળી કૌભાંડમાં જિલ્લા પોલીસે નાફેડ, ગુજકોટ અને વેરહાઉસિંગના પાંચ ઉચ્ચ અધિકારીઓની ગુરુવારે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હાલ તો માત્ર દસ્તાવેજો કબજે કરાયાનું જાહેર કર્યું છે.
પોલીસની પૂછપરછ માટે ગુજકોટના એમ.ડી. શર્માને પોલીસે સમન્સ પાઠવ્યું હતું. આ ઉપરાંત નાફેડ અને વેરહાઉસિંગના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા પણ તે નામો પોલીસે ગુપ્ત રાખ્યા છે. આ તમામની કલાકો સુધી પૂછપરછ ચાલી હતી. મગફળીની ખરીદીથી માંડીને ગોડાઉન ભાડે રાખવામાં અને તેની દેખરેખ રાખવામાં ક્યા અધિકારીની શું ભૂમિકા અને શું જવાબદારી છે તેની તમામ વિગતો પૂછવામાં આવી હતી. આ અંગેના કેટલાક દસ્તાવેજો પણ માંગવામાં આવ્યા હતા. દસ્તાવેજોની પાછળથી ખરાઈ કરવામાં કોઇ સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે તમામ દસ્તાવેજોની સર્ટિફાઈડ કોપી આપવાનો આગ્રહ કર્યો હતો. આ કોપી પણ પોલીસને સોંપી દેવાઈ છે. ગુજકોટ અને નાફેડના અધિકારીઓને ગુરુવાર મોડી રાત સુધી પોલીસ કચેરીએ બેસાડવામાં આવ્યા હતા. તેમની હાલ તો અટકાયત કરી નથી, પણ જ્યારે જરૂર પડશે ત્યારે તેમને બોલાવવામાં આવશે તેમ કહીને રવાના કરવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.
સરકારી બાબુઓની પોપટવાણી, મગફળી કૌભાંડ અંગે છેલ્લા ત્રણ મહિનાથી કંઇ ન બોલતા અધિકારીઓને વાચા આવી!
10 દી’ના રિમાન્ડ મંજૂર
જિલ્લા પોલીસે મગફળી મામલે અટક કરેલા ઓઇલમિલર રાજેશ અને વેપારી વિશાલને સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે પોલીસની અરજી સ્વીકારી હતી અને કૌભાંડમાં સંડોવાયેલા બંનેના તા.9થી 18 સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેમ ડીવાયએસપી જે.એમ. ભરવાડે જણાવ્યું હતું. કુલ 29 આરોપીઓમાંથી 21 હજુ પોલીસ રિમાન્ડ પર છે. જ્યારે સૌપ્રથમ જે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેને જેલ હવાલે કરાયા હતા. પાંચના રિમાન્ડ નામંજૂર થયા.