• Gujarati News
  • National
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

પાક વીમો, સિંચાઇ, પાણી, પોષણક્ષમ ભાવ સહિતના ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોને સાથે રાખી સરકાર સામે આંદોલન કરશે. આ માટે 1 ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્રમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં અાવશે અને 6 ફેબ્રુઆરીએ ઉપલેટામાં ખેડૂત મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે.

રાજકોટમાં ખેડૂતોના પ્રશ્નો અાંદોલનની માહિતી આપવા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા, બ્રિજેશ મેરજા, ચિરાગ ધારવિયા, પ્રવીણ મૂછડિયાએ રાજકોટમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમા લલિત વસોયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂતોને પાક વીમો, સિંચાઇ માટે પાણી, પોષણક્ષમ ભાવ સહિતના ખેડૂતોના સળગતા પ્રશ્નો માટે સરકાર સામે આંદોલન કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીથી આંદોલનાત્મક કાર્યક્રમોના શ્રીગણેશ થશે, જ્યારે 1 થી 5 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં મામલતદાર કચેરીએ ધરણાં અને આવેદનપત્રો પાઠવાશે. 8 ફેબ્રુઆરીના તમામ તાલુકામથકોએ મામલતદાર તેમજ પ્રાંત અધિકારોની કચેરીઓને તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કરાશે.

કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની સરકાર સામે ખેડૂતોના હક્કની માગણી કરશે અને જો સમયમર્યાદામાં આ માગણી સ્વીકારવામાં સરકાર નિષ્ફળ જશે તો સરકાર સામે રણશિંગું ફૂંકી તબક્કાવાર આંદોલનનું આયોજન કરી ખેડૂતોના પ્રાણપ્રશ્નો માટે ઉગ્ર લડત આપવામાં આવશે. લલિત વસોયાએ જણાવ્યું છે કે, કપાસનો પાક વીમો હજુ સુધી આપવામાં આવ્યો નથી. સરકારને 15 ફેબ્રુઆરી સુધીની મહેતલ આપવામાં આવી છે. જો સરકાર પાક વીમાની રકમ નહીં આપે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉપલેટામાં ખેડૂતોનું મહાસંમેલન અને રેલી યોજાશે જેમાં સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...