સસ્પેન્ડેડ ડે. કલેક્ટર હડિયા પાસેથી અાવક કરતાં 81 ટકા વધુ સંપત્તિ મળી, ધરપકડ
ધ્રોલમાંવર્ષ 2015માં પ્રાંત અધિકારી તરીકે ફરજકાળ દરમિયાન રૂ. 1 લાખ 60 હજારની લાંચ લેતાં પકડાયા પછી સસ્પેન્ડ કરાયેલા ડેપ્યુટી કલેક્ટર દિનેશચંદ્ર મગનલાલ હડિયા (રહે, રાજવાટિકા સોસાયટી, પુષ્કરધામ રોડ) સામે એસીબીએ આવક કરતાં 80.90 ટકા વધુ સંપત્તિનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. એસીબી દ્વારા હડિયાના નિવાસસ્થાનની જડતી લેવામાં આવી હતી પરંતુ કંઇ વાંધાજનક મળ્યું હતું. શનિવારે તેને જામનગર કોર્ટમાં રજૂ કરાશે
ડેપ્યુટી કલેક્ટર દિનેશચંદ્ર હડિયા 2015માં લાંચના છટકામાં સપડાયા ત્યારથી તેની બેનામી સંપત્તિ અંગે માહિતી એકત્ર કરવા એસીબીની ટીમ કામે લાગી ગઇ હતી. છેલ્લા માસમાં રાજ્યની તમામ રજિસ્ટ્રાર કચેરી, તમામ બેંકમાંથી સસ્પેન્ડ ડેપ્યુટી કલેક્ટર હડિયાની સંપત્તિ વિશે માહિતી મગાવાઇ હતી. એસીબીના ઇન્ચાર્જ ડીવાયએસપી કે.એચ.ગોહિલ, દિલીપસિંહ, મયૂર મજીઠિયા સહિતના સ્ટાફે કરેલી તપાસમાં હડિયાએ રાજકોટ, અમદાવાદ, વડોદરા, જૂનાગઢ અને ભાવનગરમાં મકાનો, જમીનના પ્લોટમાં માતબર રકમનું રોકાણ કર્યું હતું. તેમજ એલઅાઇસીમાં પણ મોટું રોકાણ હોવાના પુરાવા મળ્યા હતા. હડિયાને તેના કાર્યકાળ દરમિયાન પગાર સહિત કાયદેસરની જે અાવક, ખર્ચ અને રોકાણનો સરવાળો થાય તેના કરતાં 80.91 ટકા વધુ સંપત્તિ હોવાથી તેની સામે આવક કરતાં વધુ બેનામી સંપત્તિનો કેસ કરવા માટે એસીબીના વડા કેશવકુમાર પાસેથી મંજૂરી માગવામાં આવી હતી. મંજૂરી મળી જતા ગુનો દાખલ કરી તપાસ એસીબી મોરબીના પીઆઇ આર.વાય.રાવલને સોંપવામાં આવતા તેમણે દિનેશચંદ્ર હડિયાની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા હડિયાને શનિવારે જામનગર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાથી સસ્પેન્ડ ડેપ્યુટી કલેક્ટરે રાત લોકઅપમાં વિતાવવી પડશે. તપાસ દરમિયાન વધુ બેનામી સંપત્તિ મળવાની સંભાવના જોવાઇ રહી છે.
નોંધનીય છે કે, રાજ્યભરમાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓમાં સસ્પેન્ડ ડેપ્યુટી કલેકટર હડિયા સામે થયેલી કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.
જંત્રી મુજબ આકારણી થાય તો સંપત્તિનો આંક 3 કરોડથી વધુ
જમીન-મકાનનાદસ્તાવેજમાં મિલકતની મૂળ રકમ બજાર ભાવ કરતાં 60 ટકા ઓછી દર્શાવવામાં આવતી હોય છેે. હડિયાની સંપત્તિની અાકારણી જંત્રી મુજબ કરવામાં અાવે તો બેનામી સંપત્તિનો આંકડો 3 કરોડથી વધુ થાય છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ધ્રોલમાં પ્રાંત અધિકારી તરીકેના કાર્યકાળમાં 2015માં 1.60 લાખની લાંચ લેતાં પકડાયા હતા