• Gujarati News
  • National
  • શાપરના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની FIR ત્રણ મહિના પછી પણ બાકી

શાપરના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની FIR ત્રણ મહિના પછી પણ બાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના શાપર-વેરાવળ ખાતે આવેલા નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં 6 મે, 2018ના રોજ લાગેલી આગના મામલે આજે 3 મહિના વીતી ગયા હોવા છતાં પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. બીજી તરફ પેઢલા ગામ સ્થિત ગોડાઉનમાં મગફળીમાં ભેળસેળ માટે 22ની ધરપકડ કરાઈ છે, જ્યારે ગોંડલના ગોડાઉનમાં લાગેલી આગના કેસમાં 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ સાપર-વેરાવળના ગોડાઉનમાં લાગેલી આગની તપાસ ફક્ત જાણવાજોગ આધારે 3 મહિના પછી પણ ચાલી રહી છે. આ આગમાં સરકારી અંદાજ મુજબ રૂ. 4 કરોડથી વધુની કિંમતની 28 હજાર બોરી ભરેલી મગફળી નષ્ટ થઈ હતી. આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ નથી.

એક્સક્લુઝિવ
અાધારભૂત સૂત્રોનું કહેવું છે કે, આ મામલે જે મુદ્દામાલને ગાંધીનગર ખાતેની એફએસએલ ખાતે ચકાસણી માટે મોકલાયો છે તેનો રિપોર્ટ પણ હજુ સુધી રાજકોટ સીઆઈડી ક્રાઈમ પાસે આવ્યો નથી.

પેઢલા મગફળી કૌભાંડમાં વેરહાઉસના મેનેજર મગન અને માળિયા હાટિના તાલુકા પંચાયતના સદસ્ય સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપનો અહેવાલ વાંચો છેલ્લા પાને

FSLનો રિપોર્ટ પણ હજુ પોલીસ પાસે નથી
ગોડાઉનના માલિક નરેન્દ્ર પટેલ ગાયબ, વિદેશ જતા રહ્યાની સંભાવના
શાપર-વેરાવળમાં જે ગોડાઉનમાં આગ લાગી હતી તેના માલિક નરેન્દ્ર પટેલની પોલીસે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ નરેન્દ્ર પટેલનો કોઈ અતોપત્તો મળતો નથી. ‘દિવ્ય ભાસ્કર’એ તેમના સુધી પહોંચવાના ઘણા પ્રયાસ કર્યા ત્યારે તેમની નજીકના એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, નરેન્દ્ર પટેલનો પુત્ર અને પુત્રી બંને અમેરિકામાં સ્થાયી છે. તેઓ સગાં-સંબંધીઓ સાથે પણ આગની ઘટના બાદ થયેલી પૂછપરછ પછી સંપર્કમાં રહ્યા નથી. બની શકે કે તેઓ અમેરિકા જતા રહ્યા હોય. પોલીસે આગ લાગવા પાછળ વેલ્ડિંગને જવાબદાર ઠેરવ્યું હતું. જે વેલ્ડરની પૂછપરછ કરાઈ હતી તેની પણ કોઈ ભાળ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...