Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - સરકારે કેસ પાછો ખેંચતા જસદણના 9 પાટીદારોનો નિર્દોષ છુટકારો

સરકારે કેસ પાછો ખેંચતા જસદણના 9 પાટીદારોનો નિર્દોષ છુટકારો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:51 AM

Rajkot News - અનામતના આંદોલનકારીઓને તો સરકારે રાજી કર્યા પણ પોલીસ, સરકારી અધિકારીઓ અને લોકોને થયેલી ઈજા તેમજ માલમિલકતને...

 • Rajkot - સરકારે કેસ પાછો ખેંચતા જસદણના 9 પાટીદારોનો નિર્દોષ છુટકારો
  પાટીદાર અનામત આંદોલનને પગલે રાજ્યભરમાં સમાજનાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને ઠેર ઠેર ચક્કાજામ, તોડફોડ, સરકારી મિલકતને નુકસાન કર્યાનાં બનાવો બન્યા હતા. તે પૈકી એક બનાવ રાજકોટ-ભાવનગર હાઇવે પર આટકોટ ટી પોઇન્ટ પાસે બન્યો હતો. જેમાં જસદણ રહેતા જય નિલેશભાઇ હિરપરા, દિવ્યેશ નિલેશભાઇ હિરપરા, મેહુલ ઉર્ફે રાજો લાલજીભાઇ કુંભાણી, સુનિલ ધીરૂભાઇ ખોખરિયા, તુષાર મગનભાઇ મુંગળા, હાર્દિક જેન્તીભાઇ રાદડિયા, મયૂર ભોળાભાઇ રૂપારેલિયા, ગોપાલ રમેશભાઇ હિરપરા અને કલ્પેશ બાબુભાઇ મોવલિયાએ એસ.ટી.બસ પર પથ્થરમારો કરી બસમાં બેઠેલા લોકોને ઇજા પહોંચાડી હતી. જે અંગેની આટકોટ એસ.ટી. કર્મચારીની ફરિયાદ પરથી જસદણ પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે જસદણ કોર્ટમાં ચાર્જશીટ મુક્યાં બાદ આ કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરતા આરોપીઓ સામે મનુષ્યવધ કરવાની કોશિશ, ગેરકાયદેસર મંડળી રચવી, પૂર્વયોજિત કાવતરું, રાજ્ય સેવકની ફરજમાં રૂકાવટ, સ્વૈચ્છાપૂર્વક વ્યથા અને સરકારી મિલકતને નુકસાન કરવા અંગેના ગુનામાં અદાલતે આરોપીઓને ગુનેગાર માની સરકાર પક્ષે કેસ પુરવાર કરવા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતાં કેસ ચાલ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સરકારી વકીલને પત્ર દ્વારા સીઆરપીસી 321 હેઠળ કેસ કાર્યવાહી પડતી મુકવા જણાવ્યું હતું. જેથી સરકારી વકીલે સરકારની અરજીને અદાલતમાં મૂકી હતી. અદાલતે કેસની બાબતોને વિચારીને ધ્યાનમાં લઇ સરકારની અરજીને મંજૂર કરી હતી અને કેસને પાછો ખેંચી લેવાનું કાર્ય જાહેરહિતમાં હોવાનો નિર્દેશ આપી ઉપરોકત તમામ આરોપીઓને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આરોપીઓ પક્ષે એડવોકેટ સુરેશ ફળદુ, તુષાર ગોકાણી રોકાયા હતા.

  એસટી બસના ડ્રાઈવરને થયેલી મૂઢ ઈજાનું શું? તેને ન્યાય મળ્યો કહેવાય?

  રાજકોટ | અઢી વર્ષ પહેલા એસ.ટી.બસ પર કરેલા પથ્થરમારામાં તેમજ માર મારવાને કારણે બસનાં ચાલક દિલીપભાઇ રત્નુ અને કંડક્ટર પી.પી.ગોહેલને મૂઢ ઇજા થઇ હતી. જેને કારણે બંનેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. જો કે, બનાવમાં બંને એસ.ટી. કર્મચારીને એસ.ટી.તંત્રે સારવારનો ખર્ચ આપ્યો હતો. પરંતુ સરકારના આદેશ બાદ હુમલામાં સંડોવાયેલા નવ શખ્સને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, સરકારે અનામત આંદોલનકારીઓને તો રાજી કર્યા પરંતુ એસટી બસના ચાલકને મૂંઢ ઈજા થઈ હતી. ત્યારે આ કેસમાં સરકારી કર્મચારી દિલીપભાઈ રત્નુને ન્યાય મળ્યો કહેવાશે? અને સરકાર આ બાબતે વિચાર કરશે?

  આ કેસમાં ત્રણ વર્ષની સજા અને ભોગ બનનારને વળતરની જોગવાઈ છે

  પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને તેના પર હુમલો કરવાના કેસમાં આરોપીઓ સામે કેસ ચાલી જાય અને જો આ કેસ અદાલતમાં સાબિત થાય તો મહત્તમ 3 વર્ષની સજા અથવા દંડની જોગવાઇની અને આરોપીઓને સજા થાય તો ઇજાગ્રસ્તને વળતર આપવાની જોગવાઈ છે. રૂપરાજસિંહ પરમાર, એડવોકેટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ