જીએસટીના મુદ્દે ધંધાર્થીઓએ લોકમેળામાં હરાજી અટકાવી

જીએસટીના મુદ્દે ધંધાર્થીઓએ લોકમેળામાં હરાજી અટકાવી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:51 AM IST
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટના ભાતીગળ લોકમેળાના આયોજન માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને બુધવારે સ્ટોલના ડ્રો બાદ ગુરુવારે યાંત્રિક આઇટમના 44 પ્લોટની હરાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ તેમાં જીએસટીના મુદ્દે યાંત્રિક રાઇડ્સના ધંધાર્થીઓએ હરાજી અટકાવી દીધી હતી. બાદમાં પ્રાંત અધિકારીએ જીએસટી સ્ટોલધારકોએ ભરવો પડશે તેવી જાહેરાત કરી યાંત્રિક રાઇડસના પ્લોટની હરાજી શુક્રવારે સવારે 11 વાગ્યે રાખવામાં આવી છે.

પ્રાંત અધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર ગોરસ લોકમેળાના ખાણીપીણીના ‘એ’ કેટેગરીના પાંચ પ્લોટની હરાજી કરવામાં આવ્યા બાદ ‘બી-1’ કોર્નર રમકડાના 32 પ્લોટની હરાજીની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાં તંત્રને રૂ.37 લાખની આવક થઇ હતી. ત્યારબાદ યાંત્રિક રાઇડસના પ્લોટની હરાજી શરૂ કરાતાં ધંધાર્થીઓએ જીએસટીનો પ્રશ્ન ઉઠાવી હરાજી અટકાવી દીધી હતી. આથી ડેપ્યુટી કલેક્ટર એ.ટી.પટેલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બોલાવી સલાહ લેતા તેમણે જીએસટીના નિયમો મુજબ ધંધાર્થીએ ટેક્સ ભરવો પડે તેમ જણાવ્યું હતું.

આથી જીએસટી હવે યાંત્રિક રાઇડસના સંચાલકો ભરશે તેવા નિર્ણય સાથે શુક્રવારે સવારે 11 વાગ્યે યાંત્રિક રાઇડસના પ્લોટની હરાજી કરવામાં આવશે અને ત્યારબાદ આઇસ્ક્રિમના 16 પ્લોટની હરાજી કરાશે.

યાંત્રિક રાઇડસના ધંધાર્થીઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે અગાઉ મનોરંજન કર લમસમ ભરી દેતા હતા. કોઇપણ યાંત્રિક રાઇડ્સના સંચાલક પાસે જીએસટીનો નંબર ન હોય ટેક્સ ભરવાનો પ્રશ્ન ઊભો થશે તેના વિકલ્પરૂપે લમસમ ટેક્સ ભરવાનો વિકલ્પ વિચારાઇ રહ્યો છે.

ગયા વર્ષે મેળામાં સ્ટોલ નાખનાર હજુ કેટલાકે GST નંબર લીધો નથી

ગયા વર્ષે જે વેપારીઓએ મેળામાં પોતાનો સ્ટોલ નાખ્યો હતો તે પૈકી કેટલાક વેપારીઓએ આજદિન સુધી હજુ જીએસટી નંબર લીધો નથી.જીએસટીના નિયમ મુજબ જ્યારે કોઈ મેળા કે પ્રદર્શનમાં ભાગ લેવો હોય ત્યારે જે વેપારી પાસે જીએસટી નંબર ન હોય તેમણે થોડા સમય માટે પણ જીએસટી નંબર લેવાનો રહે છે. આ નિયમનું ગયા વર્ષે પાલન ન થતાં ત્યારના જોઈન્ટ કમિશનરે 100ને નોટિસ આપી હતી. જેમાંથી 80 જેટલા વેપારીએ નંબર લઈ ટેક્સ ભરી દીધો હતો પરંતુ હજુ 20 વેપારીએ નંબર લીધો નથી.

X
જીએસટીના મુદ્દે ધંધાર્થીઓએ લોકમેળામાં હરાજી અટકાવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી