ડ્રાઈવિંગ લાઇસન્સ અને વાહન રજિસ્ટ્રેશન બુક સહિતના દસ્તાવેજો હવે વ્યક્તિએ ખિસ્સામાં સાથે લઈને ફરવામાંથી મુક્તિ મળશે. વ્યક્તિના દરેક દસ્તાવેજોના ડિજિટલ સ્વરૂપને કેન્દ્ર સરકારના પરિવહન વિભાગે માન્ય રાખવા પરિપત્ર જાહેર કરી આદેશ આપ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન આ ડિજિટલ ડોક્યુમેન્ટ માન્ય રહેશે. કેન્દ્ર સરકારે બનાવેલી અને આધારકાર્ડ સાથે જોડેલી મોબાઈલ એપ ‘ડીજીલોકર’ લોન્ચ કરવામાં આવી છે. નવી સિસ્ટમ અમલી થયા બાદ ડ્રાઈવિંગ લાઇસન્સ અને આરસી બુક વિના પણ ડ્રાઈવિંગ કરશો તો ટ્રાફિક પોલીસ ચલણ ફાડશે નહીં. આ માટે વાહનચાલકે દસ્તાવેજની નકલ ડિજિટલ લોકરમાં રાખવાની રહેશે. ટ્રાફિક પોલીસ કે અન્ય એજન્સીઓ આ દસ્તાવેજો જરૂર પડે ત્યારે ડિજિટલ લોકર એપ મારફતે ચકાસી લેશે. આ નવી વ્યવસ્થાના અમલ પછી કોઈ પણ સ્થળે ગમે ત્યારે વાહનચાલકના લાઇસન્સ તેમજ આરસી બુકની તુરંત ચકાસણી એકદમ સરળ બની જશે. આ બન્ને દસ્તાવેજોની ચકાસણી કરનાર અધિકારી માટે ફક્ત એક મોબાઈલ એપ આવશ્યક રહેશે. આ એપ વાહનચાલક અને અધિકારી બન્ને પાસે હશે. ઓનલાઈન ચકાસણીમાં જો કોઈ પ્રકારનો ભંગ કે અનાદર ધ્યાન પર આવશે તો એપ મારફતે જ પેનલ્ટી પોઈન્ટ જારી થઈ જશે.
ડીજીલોકર એપનો ઉપયોગ આવી રીતે કરવો
મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડીજીલોકર મોબાઈલ એપ ઇન્સ્ટોલ કરો. ત્યારબાદ આધારકાર્ડમાં દર્શાવેલો મોબાઈલ નંબર એન્ટર કરો. આ એપનો ઉપયોગ કરવા માટે આધાર નંબર ફરજિયાત છે. આપના મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે જે એપમાં નાખવો. ત્યારબાદ પોતાનું યુઝર નેમ અને પાસવર્ડ બનાવો. હવે ઈશ્યૂડ ડોક્યુમેન્ટ સેક્શનમાં ક્લિક કરવું. ત્યારબાદ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને પાર્ટનરના રૂપમાં નોંધવું. હવે ડોક્યુમેન્ટ સેક્શન અંતર્ગત ડ્રાઈવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઉપર ક્લિક કરો અને જરૂરી માહિતી ભર્યા બાદ ઈશ્યૂડ સેક્શનમાંથી ડ્રાઈવિંગ લાઇસન્સ અને આરસી બુક જોઈ શકાશે.
સરકારના આદેશ બાદ અમલવારી


ડાઉનલોડ કરેલા ડોક્યુમેન્ટ જ માન્ય
આ એપમાં બે પ્રકારના ડોક્યુમેન્ટ ડાઉનલોડ અને અપલોડ કરી શકાય છે. એપના પ્રથમ ભાગમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, આર.સી બુક સહિતના દસ્તાવેજો ડાઉનલોડ કરીને રાખી શકો છો જેણે ઈશ્યૂડ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તેનો સ્ક્રીન શોટ લઇ શકાશે નહીં. આ દસ્તાવેજ ઉપર વેરિફાઈડની નિશાની અને ક્યુઆર કોડ દર્શાવેલો હશે. ઈશ્યૂડ અને વેરિફાઈડ ડોક્યુમેન્ટને રેલવે યાત્રા કે અન્ય કોઈપણ જગ્યાએ ઓળખના પુરાવા તરીકે દર્શાવી શકાય છે, જ્યારે બીજો વિભાગ અપલોડ ડોક્યુમેન્ટનો છે જેમાં વ્યક્તિ પોતાના કોઈપણ ખાનગી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે જેની કોઈ કાયદેસરની માન્યતા રહેશે નહીં.