તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસના એક કોર્પોરેટરને ગેરલાયક ઠરાવવા ચૂંટણીપંચને રિપોર્ટ, અન્ય બે નગરસેવક ઉપર પણ લટકતી તલ

કોંગ્રેસના એક કોર્પોરેટરને ગેરલાયક ઠરાવવા ચૂંટણીપંચને રિપોર્ટ, અન્ય બે નગરસેવક ઉપર પણ લટકતી તલવાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર| રાજકોટ

મહાનગરપાલિકાના જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી ખોલવા માટે વિરોધ પક્ષે ગેલેરીમાં બેસી વિરોધ કર્યો હતો. આ વિરોધ કોંગ્રેસને જ ભારે પડી ગયો છે. આ વિરોધ આયોજન વગર કર્યો હોવાથી હાલ એક કોર્પોરેટરને સભાસદ તરીકે ગેરલાયક ઠેરવવા કમિશનરે ચૂંટણીપંચને રિપોર્ટ કર્યો છે અને અન્ય બે કોર્પોરેટર ઉપર લટકતી તલવાર છે. સેક્રેટરીએ જે બે કોર્પોરેટરનો રિપોર્ટ કર્યો હતો તેમાંથી એક સામે કાર્યવાહી થઇ છે અને બીજા કોર્પોરેટર સામે ગેરલાયક ઠેરવવા કાર્યવાહી કરવા કાનૂની માર્ગદર્શન લેવાઇ રહ્યું છે. આ ઉપરાંત જો આગામી બોર્ડ એક સપ્તાહ મોડું બોલાવવામાં આવે તો ત્રીજા કોર્પોરેટર પણ ગેરલાયક ઠરે તેવી સંભાવના છે.

રાજકોટ મહાનગરપાલિકાના ગત જનરલ બોર્ડમાં કોંગ્રેસના તમામ સભ્યોએ પ્રેક્ષક ગેલેરીમાં બેસી અનોખો વિરોધ કર્યો હતો. જેના કારણે કોંગ્રેસના સભ્યોની હાજરી પૂરવામાં આવી નથી. પરિણામે કોંગ્રેસના વોર્ડ નં.18ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા અને વોર્ડ નં.11ના પરેશ હરસોડા સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર હોવાથી તેમની સામે મનપાના સેક્રેટરીએ કમિશનરે પત્ર લખી ગેરલાયક ઠેરવવા રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટના આધારે કમિશનરે ધર્મિષ્ઠાબા સામે કાર્યવાહી કરી છે. વોર્ડ નં.18ના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા સતત 3 માસ બોર્ડમાં ગેરહાજર રહેતા તેઓ સભાસદ તરીકે ચાલુ રહેવા અસમર્થ હોવાનો રિપોર્ટ ચૂંટણીપંચને કરી દેવામાં આવ્યો છે, જ્યારે પરેશ હરસોડા સતત ત્રણ બોર્ડ બેઠક ગેરહાજર રહ્યા છે, પરંતુ તેમણે એક વખત ગેરહાજરી રિપોર્ટ મુક્યો હોવાથી મનપાના અધિકારીઓ કાનૂની માર્ગદર્શન મેળવી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના પારૂલબેન ડેર સતત બે બોર્ડથી ગેરહાજર રહ્યા છે અને જો આગામી બોર્ડ બેઠક એક સપ્તાહ મોડું બોલાવવામાં આવે તો તેમની સામે પણ ગેરલાયક ઠરવાની કાર્યવાહી થઇ શકે છે. જો કે આ બન્ને કેસમાં કાનૂની લડત થવાની સંભાવના છે.

કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 11-1 મુજબ કોર્પોરેટરની જગ્યા જે તારીખથી ખાલી પડી હોય તે તારીખથી ત્રણ માસમાં ત્યાં ચૂંટણી કરી જગ્યા પૂરવી જરૂરી બનતી હોય છે. આ સંદર્ભે ચૂંટણીપંચ અને રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને જાણ કરવામાં આવી છે. આ બેઠક 13 ઓગસ્ટથી ખાલી પડી છે. વોર્ડ નં.18ની આ સામાન્ય સ્ત્રી અનામતની બેઠક ખાલી પડી છે. પરેશ હરસોડાના રજા રિપોર્ટ અંગે કાનૂની માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે. કાયદાકીય સલાહ આવ્યા બાદ તેમની કાર્યવાહી કરવી કે નહીં તે નક્કી થશે.

જો હુકમીથી થતી કાર્યવાહી સામે કોર્ટમાં જઇશું
મહાનગરપાલિકાના ગત બોર્ડમાં કોંગ્રેસના તમામ સભ્યો હાજર હતા. અામ છતાં સેક્રેટરીએ શાસકોના ઇશારે હાજરી પૂરવાનો ઇનકાર કર્યો અને બે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવા કમિશનરને પત્ર લખ્યો છે. આ પત્રની નકલ આપવા સેક્રેટરીને રજૂઆત કરી છતાં આપ્યો નથી. બીજી તરફ કમિશનરે પણ જે કાર્યવાહી કરી હોય તે પત્રની નકલ આપવા માગ કરી છે. ધર્મિષ્ઠાબા જાડેજાને સભાસદ તરીકે ગેરલાયક ઠરવા કમિશનરે ચૂંટણીપંચ અને સરકારને જાણ કરતો રિપોર્ટ કર્યો છે, પણ ધર્મિષ્ઠાબાને પણ તેની નકલ આપી નથી. બીજી તરફ પરેશ હરસોડા સામે પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાના અધિકારીઓ ભાજપના ઇશારે જો હુકમી કરી રહ્યા છે. આ તમામ કાર્યવાહી સામે કોર્ટમાં જઇ ન્યાય માગવામાં આવશે. ભાજપના પદાધિકારીઓ દ્વારા સત્તાનો દૂરપયોગ થઈ રહ્યો છે. પરંતુ ખોટી કાર્યવાહી સામે અમે કોર્ટમાં જશું અને છેવટ સુધી લડીશું. મહેશ રાજપૂત, કાર્યકારી પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...