સ્વાઈન ફ્લૂમાં મૃત્યઆંક ઓછો બતાવવા મથામણ

Rajkot - સ્વાઈન ફ્લૂમાં મૃત્યઆંક ઓછો બતાવવા મથામણ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:50 AM IST
સ્વાઈન ફ્લૂ કે જેને આ વર્ષથી સિઝનલ ફ્લૂનું નામ મળ્યું છે તે બે વર્ષમાં વધુ આક્રમક અને ઘાતક બન્યો છે. તો તેના મૃત્યુઆંક ઓછા બતાવવા માટે સરકારે ડેથ રિવ્યૂ કમિટીના નામનો નવો કીમિયો શોધ્યો છે. સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન મોત થયું હશે તો આ કમિટી નક્કી કરશે કે દર્દીનું મોત સ્વાઈન ફ્લૂથી નહીં પણ બીજી બીમારીથી થયું છે. જેનાથી મોતનું કારણ બદલાતા સ્વાઈન ફ્લૂના શિકારની સંખ્યા ઘટશે.

રાજકોટના તબીબ ડો.જયંત મહેતા સાથે સ્વાઈન ફ્લૂ અંગે ચર્ચા કરાતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં વાઇરસ વધુ આક્રમક બન્યો છે. પહેલા ફ્લૂના વાઇરસ ફેફસાંમાં જ અસર કરતા હતા જેનાથી શ્વાસની તકલીફ થતી હવે તે ડેવલપ થતા શરીરના કોઇપણ અવયવ પર હુમલો કરવા સક્ષમ છે. બીજી તરફ આ અંગે આરોગ્ય તંત્રમાંથી વિગતો મળી છે કે આ વર્ષથી સરકારે ડેથ રિવ્યૂ કમિટીની રચના કરી છે. સ્વાઈન ફ્લૂની સારવાર દરમિયાન કોઇનું મોત થશે તો તેની જૂની બીમારીઓ, હાલત, ચેપ બધુ ચકાસીને મૃત્યુનું સાચુ કારણ જણાવી સ્વાઈન ફ્લૂનો હાહાકાર ઓછો કરાશે. જો કે સીધી વાત એ થઇ કે મોટાભાગના કેસોને બીજા કારણમાં ખપાવી સ્વાઈન ફ્લૂના આંકમાં ઘટાડો દર્શાવી શકાશે.

સારવાર વખતે મોત થશે છતાં બીજુ કારણ શોધવા કોશિશ થશે

અારોગ્ય તંત્રની આ તૈયારી

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 70-70 આઈસોલેશન બેડની વ્યવસ્થા

સરકારીમાં 18 અને ખાનગીમાં 42, કુલ 60 એડલ્ટ વેન્ટિલેટર

ખાનગીમાં 3 અને સરકારીમાં 4 સહિત કુલ 7 બાળકોના વેન્ટિલેટર

પી પી ઇ કિટ, એન 95 તથા ટ્રિપલ લેયર માસ્કનો પૂરતો જથ્થો

57 આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલ, મેડિકલ કોલેજમાં આવેલા જેનેરિક સ્ટોર સહિત 65 જગ્યાઓએ વિનામૂલ્યે દવાઓ

ઘરે ઘરે જઇ તાવના કેસનું સર્વેલન્સ

તાવના કેસ હોય તો 60થી વધુ MBBS ડોક્ટર્સ સારવાર માટે સ્ટેન્ડ ટુ

કર્મચારીઓની 600 ટીમ ફરજ પર મુકાઈ

1200 આશા અને ઉષા બહેનોને કામ સોંપાયું

સ્વાઈન ફ્લૂના હાઇરિસ્ક વિસ્તારોમાં જરૂર જણાયે 5 દિવસની દવાનું વિતરણ

મંગળવારે વધુ બે કેસ પોઝિટિવ, આંક 6 થયો

મંગળવારે સિઝનલ ફ્લૂના બે વધુ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ બે કેસ જૂનાગઢ અને ગીર-સોમનાથના છે. એક 27 વર્ષની યુવતી, જ્યારે બીજા 57 વર્ષના વૃધ્ધા છે બંનેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. રાજકોટમાં સારવાર લઇ રહેલા સિઝનલ ફ્લૂના દર્દીઓનો આંક હવે 6 થયો છે.

સિઝનલ ફ્લૂ સામે તંત્ર સજ્જ થયું

સિઝનલ ફ્લૂના કેસ દેખાતા જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ થયું છે અને તમામ તૈયારીઓ કરી લીધાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. લોકો સામાન્ય સાવચેતી રાખે અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળી વારંવાર હાથ ધોવાનું રાખે તો આ રોગથી બચી શકાય છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર તેમજ દવાઓ આપવામાં આવશે.

ડેથ રિવ્યૂ કમિટી પાંચ સભ્યોની રહેશે

ડેથ રિવ્યૂ કમિટીમાં જિલ્લા આરોગ્ય તંત્રના બે અધિકારી, એક સિવિલના ફિઝિશિયન, એક મેડિકલ કોલેજના પ્રોફેસર અને જે તે હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય અને મોત થયું હોય તે હોસ્પિટલના ફિઝિશિયનનો સમાવેશ કરવામાં આવશે.

X
Rajkot - સ્વાઈન ફ્લૂમાં મૃત્યઆંક ઓછો બતાવવા મથામણ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી