130 કરોડના કૌભાંડ બાદ હાઉસિંગના ચાર અધિકારીના અચાનક રાજીનામાં
કાલાવડ રોડ પર આવેલી અને રંગોલીપાર્કના નામે ઓળખાતી મુખ્યમંત્રી આવાસ યોજનામાં 130 કરોડનું કૌભાંડ થયા સંદર્ભે ફ્લેટધારકોએ કલેક્ટર, પોલીસ કમિશનર અને સરકારમાં બેઠેલા મંત્રીઓને લેખિતમાં રજૂઆત કર્યાને આઠ મહિનાનો સમય વીતિ ગયો છે. આમ છતાં હજુ કોઇ પરિણામ આવ્યું નથી કે કોઇની સામે પગલાં લેવાયા નથી. ત્યારે હાઉસિંગ બોર્ડમાં ફરજ બજાવતા ચાર અધિકારીઓએ અચાનક જ રાજીનામાં આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.
ફ્લેટધારકોએ આ અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં હાઉસિંગ બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્સિક્યુટિવ એન્જિનિયર બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ એક્સિક્યુટિવ એન્જિનિયર પ્રજાપતિ આ ઉપરાંત જુનીયર એન્જિનિયર થાનકી તેમજ એસ્ટેટ વિભાગમાં આરટીઆઇ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાણપરાએ છેલ્લા 20 દિવસમાં રાજીનામાં ધરી દીધા છે. જો કે આ રાજીનામાં હજુ મંજૂર કરવામાં આવ્યા નથી.
આ ઉપરાંત કાર્યપાલક ઇજનેર ભાવેશ પટેલ પણ લાંબી રજા ઉપર ઉતરી ગયા છે. આમ 130 કરોડનું કૌભાંડ થયા અંગે ફ્લેટધારકોએ આધાર પુરાવા સાથે રજૂઆત કર્યા બાદ હજુ સુધી કોઇ પરિણામ આવ્યું નથી ત્યારે અધિકારીઓના રાજીનામાં અને લાંબી રજા પર ઉતરી જવા સંદર્ભે અનેકવિધ ચર્ચાઅો શરૂ થઇ છે. બીજી બાજુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટે કૌભાંડ અંગે કાર્યવાહી શરૂ કરી છે.