• Gujarati News
  • National
  • રિક્ષાને આંતરી છરી બતાવી ત્રણ મોબાઇલની લૂંટ કરી

રિક્ષાને આંતરી છરી બતાવી ત્રણ મોબાઇલની લૂંટ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની ભાગોળે ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે રિક્ષાને અાંતરી બે માથાભારે શખ્સોએ રિક્ષાચાલક અને તેની પત્ની-ભાઇ પાસેથી ત્રણ મોબાઇલ લૂંટી લીધા હતા, જોકે ઝપાઝપી દરમિયાન મોબાઇલ પડતાં નુકસાન થતાં મોબાઇલ મૂકીને જ બંને નાસી ગયા હતા.

કોઠારિયા સોલવન્ટ પાસેના ગણેશપાર્કમાં રહેતા રિક્ષાચાલક પ્રફુલગીરી પંકજગીરી ગોસ્વામી (ઉ.વ.24), તેમના પત્ની ધારાબેન, નાનોભાઇ શંકરગીરી તથા મામાની પુત્રી પાયલ સોમવારે રાત્રે રાજેશ્રી ટોકીઝમાં પિક્ચર જોવા ગયા હતા અને પિક્ચર જોઇ રિક્ષામાં પરત પોતાના ઘેર જવા નીકળ્યા હતા અને ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી કુખ્યાત ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અને કાળિયો બીજી રિક્ષામાં ધસી આવ્યા હતા અને પ્રફુલગીરીની રિક્ષાને આંતરી ઊભી રખાવી હતી. બંને શખ્સોએ નીચે ઉતરી કેમ ઊભા રહ્યા નહીં તેમ કહી છરી બતાવી પ્રફુલગીરી, તેમના પત્ની ધારાબેન અને ભાઇ શંકરગીરી પાસેથી મોબાઇલ લૂંટી લીધા હતા.

ત્રણેય પાસેથી મોબાઇલની લૂંટ થતાં બંનેપક્ષ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ઝપાઝપી દરમિયાન ત્રણેય મોબાઇલ નીચે પડતાં તેમાં નુકસાન થયું હતું. જાહેરમાં ધમાલ થતાં લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા, જોકે લોકોઅે માથાભારે તત્ત્વોને પડકારવાની હિમ્મત કરી નહોતી. અંતે બંને શખ્સો મોબાઇલ મૂકીને નાસી ગયા હતા. ઝપાઝપીમાં ઘવાયેલા પ્રફુલગીરી અને શંકરગીરીને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે પ્રફુલગીરીની ફરિયાદ પરથી બંને સામે લૂંટની કોશિશનો ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો અને કાળિયો અગાઉ વાહનચોરી, રિક્ષામાં મુસાફરોને લૂંટી લેવા સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...