• Gujarati News
  • National
  • હાર્દિક પટેલની ભાજપને શીખ: સરકાર હવે રામમંદિર બનાવે

હાર્દિક પટેલની ભાજપને શીખ: સરકાર હવે રામમંદિર બનાવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદારઅનામત આંદોલનને વેગ આપવા માટે હાર્દિક પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે યુપી અને અન્ય રાજ્યનાં પરિણામો અંગે તેમણે કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યના પરિણામોની કોઇ અસર નહીં થાય. ઉત્તરપ્રદેશમાં ભાજપને બહુમતી મળી છે, તો પંજાબ, ગોવા, મણિપુરમાં કોંગ્રેસ મજબૂત બની છે. હાર્દિકે ભાજપને શીખ આપતા કહ્યું કે, ભાજપ સરકારે હવે રામમંદિર નિમાર્ણ કાર્યમાં આગળ વધવું જોઇએ.

ધ્રોલમાં રવિવારે જાહેરસભામાં ભાગ લે તે પહેલા રાજકોટમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનના આગેવાનો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપને બહુમતી મળી છે તે વાત સાચી, પણ ગોવા, મણિપુર અને પંજાબમાં કોંગ્રેસ મજબૂત બની છે, તે વાત ભૂલવી જોઇએ. જે રાજ્યની જનતાએ જે પક્ષને વિજેતા બનાવ્યો તે હવે ત્યાં વિકાસના કાર્ય કરશે તેવી આશા રાખીએ. અન્ય રાજ્યના પરિણામોની ગુજરાતમાં કોઇ અસર નહીં થાય. ગુજરાત સરકારને વહેમ હોય તો તે કાઢી નાખે, પાટીદારોને અનામત નહીં મળે તો સમય આવ્યે તે જવાબ આપશે. ભાજપને શીખ આપતા હાર્દિકે કહ્યું કે, યુપી અને કેન્દ્ર બન્નેમાં ભાજપ પાસે બહુમતી છે, તો તે હવે રામમંદિરના નિર્માણ કાર્યમાં આગળ વધે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી લેઉવા અને કડવા પટેલો વચ્ચે અનામત આંદોલનને લઇને ભાગલા પડી ગયા હોવાનું ચિત્ર બહાર આવ્યું છે. ત્યારે હાર્દિકે કહ્યું કે, અમુક લોકો આવી વાત કરે છે, બાકી અમે પાટીદારો છીએ અને અનામત લઇને શાંત પડીશું. રાજ્ય સરકારમાં તેવડ હોય તો અમને જાહેરસભા માટે મંજૂરી આપે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં અનામત આંદોલન વધુ તાકાતથી આગળ વધશે.

પાટીદાર આંદોલનના નેતાઓ સાથે હાર્દિકની ચર્ચા.

ગુજરાતમાં અન્ય રાજ્યનાં પરિણામોની અસર નહીં થાય: હાર્દિક

રાજકોટમાં પાટીદાર આંદોલનના આગેવાનો સાથે બેઠક કરી

અન્ય સમાચારો પણ છે...