નકલી ચાનો નમૂનો નાપાસ, હાનિકારક કલર મળી આવ્યો
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ
મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાજેતરમાં પરાબજારમાં નકલી ચા બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી. જેમાં કેમિકલ કલર, એસેન્સ સહિતની વસ્તુઓની ભેળસેળ કરી ચા બનાવવામાં આવતી હતી અને જથ્થાબંધ રીતે સસ્તા ભાવે વેચવામાં આવતી હતી. આ ચાના નમૂના લેબમાં મોકલવામાં આવતા તેમાં હાનિકારક કલર મળી આવતા વેપારી સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત દૂધના ત્રણ નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટમાં તેમા પાણી અને વેજિટેબલ ફેટની ભેળસેળ કરી હોવાનું ખુલ્યું છે.
પરાબજારમાં હાથી મસાલાની પાછળ પંકજ શશિકાંત શાહ નામનો શખ્સ નકલી ચા બનાવવાની ફેક્ટરી ચલાવતો પકડાયો હતો. મહાનગરપાલિકાએ 15 એપ્રિલે અહીં દરોડા પાડી બનાવટી ચાનો 1200 કિલોથી વધારે શંકાસ્પદ ભેસળેળયુક્ત ચાનો જથ્થો સીઝ કરી ચાના નમૂના લેબમાં પૃથક્કરણ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવી જતા તેમાં પ્રતિબંધિત કલર મળી આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, આ ચામાં લોકોને હાનિકારક વસ્તુઓની ભેળસેળ કરી હોવાથી ઉત્પાદક સામે કોર્ટમાં એફ.એસ.એસ.આઇ. હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. આ કલમ હેઠળ વધુમાં વધુ એક વર્ષની જેલની સજા થઇ શકે છે.
મહાનગરપાલિકાએ અલગ અલગ ડેરીમાંથી દૂધના નમૂના લઇ લેબમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શિવમ ડેરી ફાર્મ (મનસુખ શિંગાળા) ભવનાથ ચાર્ક-2 કોઠારીયા રોડ પરથી મિક્સ દૂધમાં ફેટ વધારવા વેજિટેબલ ફેટની ભેળસેળ, માયાણી ચોકમાં આવેલી રાધેકૃષ્ણ ડેરી ફાર્મ મગન વેકરિયાને ત્યાંથી લીધેલા દૂધમાં વેજિટેબલ ફેટ (ઓઇલ) તથા દોશી હોસ્પિટલ પાસે આવેલા સાગર ડેરી ફાર્મ રજની ત્રાડાની ડેરીમાંથી લીધેલા દૂધમાં પાણી નાખેલું અને મલાઇ કાઢી લીધી હોવાનું ખુલ્યું હતું. આ ત્રણેય વેપારી સામે ફૂડ એક્ટ મુજબ કાર્યવાહી થશે.
નકલી ચા બનાવતી ફેક્ટરી મનપાએ અગાઉ પકડી હતી.