તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રિમાન્ડ પૂર્ણ થતા હવે પોલીસની પકડમાંથી દૂર થવા પ્રયાસ, જામીન ન મળે તેવા પ્રયાસો : ડીવાયએસપી

રિમાન્ડ પૂર્ણ થતા હવે પોલીસની પકડમાંથી દૂર થવા પ્રયાસ, જામીન ન મળે તેવા પ્રયાસો : ડીવાયએસપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરના પેઢલામાં મગફળીમાં ધૂળ ભેળવીને સરકારી ગોડાઉનમાં પધરાવવાના કૌભાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 30ની અટકાયત કરી છે. જે પૈકીના 14 આરોપીઓએ પોલીસ પકડમાંથી છૂટી જવા જામીન અરજી કરી છે જેની સામે પોલીસે પણ સોગંદનામું તૈયાર કર્યું છે.

ડીવાયએસપી જે.એમ.ભરવાડના જણાવ્યા અનુસાર મગફળી કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઇ ગયા છે. જે પૈકીના 14 આરોપીઓએ જામીન મેળવવા માટે અરજી કરી છે. તેની સામે પોલીસે તેમના વિરુધ્ધ પૂરતા પુરાવા હોવાનું સોગંદનામું કર્યું છે. આ સોગંદનામાથી કોર્ટમાં આરોપીઓને જામીન ન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મગફળીકાંડના મુખ્ય સૂત્રધાર એવા મગન ઝાલાવડિયાની કસ્ટડી રાજકોટ બી ડિવિઝનને બારદાનકાંડમાં સોંપવામાં આવી છે. જો કે આટલા દિવસના રિમાન્ડ દરમિયાન શું પૂછપરછ થઇ અને કેટલી વિગતો મળી તે બાબતે પોલીસે જણાવ્યું હતું કે, તે હજુ તપાસ ચાલુ છે. આરોપીઓની વધુ પૂછપરછ અને પુરાવા એકત્ર થયા બાદ જ આખો મામલો સ્પષ્ટ થઇ શકશે. જો કે પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, પેઢલાનું મગફળી કૌભાંડ 6700 ગુણીનું હતું પણ તપાસ કરતા તે આંક 27600 સુધી પહોંચી ગયો છે. એ પૂછપરછ દરમિયાન જ બારદાનને લગતી કડી મળી આવી હતી. મગન અને મળતિયાઓએ મગફળી કૌભાંડ આચરવા માટે એક કરતા વધુ તરકીબ અજમાવી છે તે દિશામાં પુરાવા એકત્ર થશે અને નવા નામો ખૂલવાની શક્યતા છે.

મગફળી કૌભાંડના 14 આરોપીઓની જામીન અરજી સામે પોલીસે કર્યું સોગંદનામું
બારદાનકાંડમાં મગન ઝાલાવડિયાના 10દી’ના રિમાન્ડ મંજૂર
રાજકોટ જૂના યાર્ડમાં બારદાનમાં લાગેલી આગનું કોકડું જેમનું તેમ રાખીને બચી ગયેલા બારદાન વેચવા મામલે પોલીસે મગન સહિત 8 શખ્સ વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. જે પૈકી મગનને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એસ. ઠાકરના જણાવ્યા અનુસાર મગનને રાત્રે 3 કલાકે કસ્ટડીમાં લેવાયો હતો. ત્યારબાદ 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતા 10 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. હવે તેની પૂછપરછ બાદ અન્ય અારોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. પોલીસે મગફળીકાંડની પૂછપરછ દરમિયાન મગને બારદાન વેચી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર જૂના યાર્ડમાં બારદાનના ગોડાઉનમાં લાગેલી આગ બાદ જે બારદાન વધ્યા હતા તે ગોંડલ મોકલવાના હતા. ગોડાઉન ગુજકોટનું હોવાથી તેના સૌરાષ્ટ્રના મેનેજર મગન ઝાલાવડિયાની તે જવાબદારી હતી. મગને ગોંડલ મોકલવાને બદલે 15.80 લાખના બારદાન તેના મળતિયાઓ દ્વારા બારોબાર વેચી કાઢ્યા હતા. જો કે આગ કેવી રીતે લાગે તે રહસ્ય અકબંધ છે. મગફળીની ભેળસેળમાં સંડોવાયેલા મગનના બેંક ખાતા તેમજ ઘર અને ઓફિસમાં જિલ્લા પોલીસે તપાસ કરી હતી હવે તે સ્થળોએ ફરી પોલીસ તપાસ આદરી બારદાન અંગેના વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...