• Gujarati News
  • National
  • સિવિલમાં 15 એપ્રિલથી યેલો ફિવર વેક્સિન સેન્ટરનો પ્રારંભ

સિવિલમાં 15 એપ્રિલથી યેલો ફિવર વેક્સિન સેન્ટરનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખાત(ગલ્ફ)ના દેશોમાં જઇ રહેલા પ્રવાસીઓ માટે યેલો ફિવર વેક્સિન લેવું ફરજિયાત છે. સૌરાષ્ટ્રમાં જામનગર પછી રાજકોટ સરકારી હોસ્પિટલમાં યેલો વેક્સિન સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. એક માસ પહેલાં વેક્સિનના 100 ડોઝ પણ ફાળવી દેવામાં આવ્યા હતા, પરંતુ સેન્ટરના પ્રારંભ માટે રાજકીય નેતાને સમય નહીં મળતા વેક્સિન લેવા આવતા પ્રવાસીઓને તમામ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં બહાના બતાવીને રવાના કરી દેવાતા હતા. નેતાઓના હસ્તે લોકાર્પણ કરવાની સત્તાધીશોની ઇચ્છાના કારણે સેન્ટરનો પ્રારંભ નહીં થતો હોવાના અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્ર દ્વારા 15 એપ્રિલથી યેલો ફિવર વેક્સિન સેન્ટર ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, યેલો ફિવર વેક્સિન માટે જરૂરી તમામ માળખાકીય સુવિધા તેમજ કામગીરી માટે ખાસ બે તબીબ અને નર્સિંગ સ્ટાફને તાલીમ અપાવવામાં આવી છે. તાલીમ લઇ ચૂકેલા એક તબીબને જેલ દવાખાનામાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા હોવાથી સેન્ટર કાર્યરત કરવામાં થોડો વિલંબ થયો છે. 15 એપ્રિલથી યેલો ફિવર વેક્સિન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવશે. સપ્તાહમાં એક દિવસ માત્ર બુધવારે રજિસ્ટ્રેશન અને વેક્સિન દેવાની કામગીરી થશે. યેલો ફિવર વેક્સિન લેવાની જરૂરિયાત હોય એવા નાગરિકે બુધવારે સવારે 9:00 થી 11:00 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે અને રજિસ્ટ્રેશન કરાવનારને 11:00 થી 12:00 એમ 1 કલાકના સમયગાળા દરમિયાન ક્રમ મુજબ વેક્સિન દેવામાં આવશે.

અખાતના દેશોમાં જતા પ્રવાસીઓ માટે યેલો ફિવર વેક્સિન ફરજિયાત છે

અન્ય સમાચારો પણ છે...