• Gujarati News
  • National
  • ઘેની ફાકી ખવડાવી ચાલકનું ચાંદીનું કડું, રોકડ સેરવી લીધા

ઘેની ફાકી ખવડાવી ચાલકનું ચાંદીનું કડું, રોકડ સેરવી લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસાફરના સ્વાંગમાં ગઠિયાઓ કળા કરી જતાં હોવાના વધુ એક બનાવમાં બે ગઠિયાએ કાર ભાડે કર્યા બાદ ચાલકને ફાકીમાં ઘેની પ્રવાહી ભેળવી દીધા બાદ બેભાન થઇ ગયેલા ચાલકનું ચાંદીનું કડું, મોબાઇલ તેમજ રોકડ મળી રૂ.31,500ની મતા કાઢી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે વાંકાનેરના ઘીયાવડ ગામે રહેતા રાહુલ અરજણભાઇ ખોડા નામના યુવાને આશરે 25 વર્ષની ઉંમરના બે ગઠિયા સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, રાહુલ બુધવારે સવારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેની ઇકો કાર લઇ ભાડા માટે મુસાફરની રાહ જોતો હતો. ત્યારે બે શખ્સ તેની પાસે આવી પહેલા કુવાડવા અને ત્યાંથી સરધાર જવા માટેની વાત કરી ભાડું નક્કી કરી કારમાં બેસી ગયા હતા. કાર ગ્રીનલેન્ડ ચોકડીથી આગળ પહોંચતા બે પૈકી એક શખ્સે ફાકી આપી હતી. જે ફાકી ખાધા બાદ ચક્કર આવવા લાગ્યા હતા. આ સમયે કાર કુવાડવાથી સરધાર જવાના રસ્તા પર પહોંચી હતી. ત્યારે એક શખ્સે અહીંથી એક ભાઇને બેસાડવાના છે તેમ કહી કાર ઊભી રખાવી હતી. કાર ઊભી રહેતા જ રાહુલ બેભાન થઇ ગયો હતો. બેભાન થયા બાદ બપોરે ભાનમાં આવતાં તેણે પહેરેલું ચાંદીનું કડું, મોબાઇલ તેમજ રોકડા રૂ.4500 મળી કુલ 31,500ની મતા ગાયબ હતી. જેથી રાહુલ પરત ગ્રીનલેન્ડ ચોકડી આવ્યો હતો અને પિતાને બનાવ અંગે જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે રાહુલની ફરિયાદ નોંધી ગ્રીનલેન્ડ ચોકડી પાસેના સીસીટીવી તપાસવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...