Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - જિલ્લા કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લીધા વગર RKCની હોકી ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેશે

જિલ્લા કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લીધા વગર RKCની હોકી ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:25 AM

U-19માં એક પણ ટીમે ભાગ ન લેતા કેમ્પના ખેલાડીઓનું સિલેક્શન થયું હતું સિલેકશનમાં હાજર રહેલા 6 નેશનલ પ્લેયર...

  • Rajkot - જિલ્લા કક્ષાની ટૂર્નામેન્ટમાં ભાગ લીધા વગર RKCની હોકી ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેશે
    શહેરમાં યોજાનાર ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધામાં એસોસિએશનને સાથે ન જોડવાનો વિવાદ હજુ સમ્યો નથી. ત્યાં રાષ્ટ્રીય રમત એવી હોકીમાં પણ રાજરમતનો વિવાદ સર્જાતા રમતગમત વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઇ છે.

    જિલ્લા રમતગમત અધિકારી, રાજકોટ શહેર દ્વારા ગત 25 ઓગસ્ટના રોજ શાળાકીય બોયઝ અન્ડર 19 હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ સ્પર્ધામાં શહેરની એક પણ ટીમે ભાગ લીધો ન હતો.

    આ સ્પર્ધામાં ખેલાડીઓની પસંદગી કરી જિલ્લાની ટીમ બનાવવાની હોય સ્પર્ધા દરમિયાન મેદાનમાં હાજર કેમ્પના ખેલાડીઓનું ડાયરેક્ટ સિલેકશન કરવામાં આવ્યું હતું. દરમિયાન 16 સપ્ટેમ્બરના સુરત શહેરમાં રમાનાર શાળાકીય અન્ડર-19ની રાજ્યકક્ષાની હોકી સ્પર્ધામાં અચાનક શહેરની રાજકુમાર કોલેજની ટીમ રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા જવાની હોવાનું પ્રકાશમાં આવતા સિલેકશન ટ્રાયલમાં હાજર રહેલા હોકી ખેલાડીઓમાં કચવાટ શરૂ થતા વિવાદ સર્જાયો હતો. જેને પગલે ખેલાડીઓના વાલીમાં પણ રોષની લાગણી ફેલાઇ છે. આખું વર્ષ પ્રેક્ટિસ કર્યા બાદ ડાયરેક્ટ સિલેકશનમાં આવેલા ખેલાડીઓ અગાઉ રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં હોય આ વર્ષે તેમનું બગડ્યું તેના માટે જવાબદાર કોણ તે મુદ્દે ચર્ચા શરૂ થઇ છે. ટૂર્નામેન્ટમાં ભાગ લીધા વગર રાજ્યકક્ષાએ ભાગ લેવા જનાર રાજકુમાર કોલેજને કયા કારણોસર ડાયરેક્ટ મોકલવામાં આવી તે તપાસનો વિષય બન્યો છે.

    એક પણ ટીમે ભાગ લીધો ન હોવાના સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રસિધ્ધ કર્યા હતા.

    એકેય ટીમ ન આવતા RKCને મંજૂરી આપી

    શાળાકીય અન્ડર-19 હોકી સ્પર્ધામાં એક પણ ટીમ ન આવી હોય રાજકુમાર કોલેજ દ્વારા પોતાની ટીમ રાજ્યકક્ષાએ ભાગ લેવા જવા માટે તૈયાર હોય મંજૂરી માંગી હતી. જેથી જિલ્લાની ટીમ સ્પર્ધામાં ભાગ લઇ શકે તે માટે મેં મંજૂરી આપી તેમની એલિજિબિલિટી સહિતના દસ્તાવેજો તૈયાર કરી આપ્યા હતા. આરકેસીને મંજૂરી આપ્યા બાદ મને સ્પર્ધા સમયે મેદાનમાં થયેલું ડાયરેક્ટ સિલેકશનનું લિસ્ટ મળ્યું હતું. અંતિમ દિવસોમાં આવી સમસ્યા સર્જાતા હવે કોઇ ફેરબદલી થઇ શકે તેમ નથી. વી.પી.જાડેજા, ડીએસઓ

    હાજર ન હોવા છતાં ટીમને ડાયરેક્ટ એન્ટ્રી ન અપાય

    સ્પર્ધામાં એક પણ ટીમ હાજર ન હોવાને કારણે ડાયરેક્ટ સિલેકશન માટે ઉપસ્થિત ખેલાડીઓ વચ્ચે મેચ રમાડી તેમાંથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ખેલાડીઓ સહિતનાઓની પસંદગી કરાઈ હતી, ગુરુવારે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિ રાજકુમાર કોલેજ કરવાની હોવાની અને મેદાનમાં આવવાને બદલે સીધા કચેરીએ જઇ એન્ટ્રી આપી દીધી હોવાની જાણ થઇ હતી. જે અંગે ડીએસઓ સાથે વાત પણ કરી હતી, પરંતુ તેમણે હવે આરકેસી જ ભાગ લેવા જશે તેમ જણાવ્યું હતુ.

    મહેશ દિવેચા,કન્વીનર

    ખેલાડીની વ્યથા | આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ

    અન્ડર-19ની વિવિધ સ્પર્ધાઓમાં પાંચ-પાંચ વખત રાજ્યની ટીમનું પ્રતિનિધત્વ કરી ચૂકેલા સરસ્વતી સ્કૂલના સોહમ શિયાળિયાએ ભારે હૈયે કહ્યું કે આખું વર્ષ આ સ્પર્ધા માટે મહેનત કરી હતી. પરંતુ, આ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.

    આમને

    સામને

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending