તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot ભેદી ઘટના | આજી ડેમમાં બે ફૂટના માછલાં મર્યાં, બાકીના જીવિત રહ્યા

ભેદી ઘટના | આજી ડેમમાં બે ફૂટના માછલાં મર્યાં, બાકીના જીવિત રહ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટના આજી ડેમમાં રવિવારે દોઢથી બે ફૂટની સાઇઝ ધરાવતા 200 જેટલા માછલાઓના ભેદી મોત થતા તંત્ર ઊંધામાથે થયું છે અને પાણીના સેમ્પલ લઇ વિવિધ પ્રકારના રિપોર્ટ હાથ ધરાયા છે. જો કે પ્રાથમિક રિપોર્ટમાં પાણીના સેમ્પલમાં કાંઇ વાંધાજનક ન મળતા જીપીસીબી અને પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ લેબોરેટરીમાં પાણીના સેમ્પલ મોકલી અલગ-અલગ રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે.

રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્કસ શાખાના ડેપ્યુટી ઇજનેર હર્ષદભાઇ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજી ડેમમાં દોઢથી બે ફૂટની સાઇઝના 200 જેટલા માછલાઓના અગમ્ય કારણોસર મોત થતા ફાયરબ્રિગેડને મૃત માછલાઓને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી સોંપાઇ છે. આજી ડેમના પાણીના સેમ્પલ લઇ ઓક્સિજન રિપોર્ટ કરાવતા તે નોર્મલ આવ્યો છે, જ્યારે નાની સાઇઝના અન્ય માછલાઓને કાંઇ થયું નથી.

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ પણ આ બાબતે તપાસ હાથ ધરી છે અને પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ લેબોરેટરીમાં પણ પાણીના સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ બેથી ત્રણ દિવસમાં આવી જશે. આ ઉપરાંત બીઓડી અને સીઓડી રિપોર્ટ પણ કરાવાશે જેમાં અંદાજે પાંચ દિવસનો સમય લાગશે. હાલમાં માછલાઓનાં મોતનું કારણ જાણવા મળ્યું નથી.

આવી ઘટના ક્યારેય બની નથી. હાલના તબક્કે ડેમમાં નર્મદાના પાણીની આવક ચાલું છે ત્યારે આવી ઘટના બનતા ફાયરબ્રિગેડ અને મનપાનો સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયો છે. માત્ર બે ફૂટના માછલા જ મર્યા છે. જ્યારે બાકીના જીવીત છે ત્યારે આવું કેમ બન્યું તે જાણવા તંત્ર ધંધે લાગ્યું છે.

અન્ય સમાચારો પણ છે...