• Gujarati News
  • National
  • આધારકાર્ડ સુધારામાં ઉઘાડી લૂંટ, નિયમ વિરુધ્ધ વસૂલાત

આધારકાર્ડ સુધારામાં ઉઘાડી લૂંટ, નિયમ વિરુધ્ધ વસૂલાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિક્સ ચાર્જ રૂ.50 છતાં રૂ.250 પડાવી લેવામાં આવે છે

ખાનગીકંપનીઓ દ્વારા શહેરમાં આધારકાર્ડના નિયમ વિરુધ્ધ ચાર્જ વસૂલવાની ફરિયાદ ઊઠી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ સેન્ટરોની મુલાકાત લેતા ખુલ્લે આમ ઉઘાડી લૂંટ ચલાવાતી હતી. આધારકાર્ડ કઢાવવાની સાથે આધારકાર્ડમાં નાના મોટા સુધારા કરવામાં ચાર ગણો ચાર્જ વસૂલાત કરવામાં આવતો હતો.

આજી ડેમ, સોરઠિયાવાડી, મવડી સહિતના અનેક વિસ્તારોમાં આધારકાર્ડ સેન્ટરની મુલાકાત લેતાં દરેક સેન્ટર પર મનફાવે તેવી ફી વસુલવામાં આવી રહી છે. રાજકોટના સોરઠિયાવાડી સર્કલ પાસે જન સુવિધા કેન્દ્ર નામે ચાલતા આધારકાર્ડ સેન્ટરે દિવ્ય ભાસ્કરની ટીમે આધારકાર્ડમાં સુધારો કરાવતા નામના સુધારાના રૂ.100 અને સ્માર્ટકાર્ડ માટે રૂ.100નો ચાર્જ લઇ કુલ 200 લેવામાં આવ્યા હતા, તેમજ નાનામવા વિસ્તારના માયાણી ચોક પાસેના પરિશ્રમ ઇન્ફોટેક નામે ચાલતા આધારકાર્ડ સેન્ટરમાં નામ સુધારો કરવાનો રૂ.100 ચાર્જ લેવામાં આવ્યો હતો. સ્માર્ટકાર્ડ સાથે રૂ.250 ચાર્જ વસૂલવામાં આવે છે, તેમજ આજીડેમ વિસ્તારના ભવાની કોમ્પ્લેકસ પાસે ગ્રાહક સુવિધા કેન્દ્રની મુલાકાત લેતાં ત્યાં પણ મુજબ ભાવ વસૂલાય છે.

યુનિટ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ 5 થી 15 વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ ફ્રી છે, તેમજ તે ઉપરના વ્યક્તિઓ માટે ડેમોગ્રાફિક અપડેટ રૂ.25 અને બાયોમેટ્રિક અપડેટ રૂ.25 આમ કુલ મળી રૂ. 50 ચાર્જ છે. જેમાં ફોટો અપલોડ તથા તમામ લખાણમાં સુધારો કરી આપવામાં આવે છે, પરંતુ ખાનગી સેન્ટર એક સુધારા માટે રૂ.70 થી 100નો ચાર્જ વસૂલી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, તેમજ સ્માર્ટ કાર્ડ જરૂરી હોય તેવું જણાવી એક ગ્રાહક પાસેથી કુલ રૂ.200 થી 250 ચાર્જ વસૂલ કરી રહ્યા છે. ફોટો અપડેટ નો ચાર્જ ચૂકવ્યા બાદ પૂરતા સુધારા પણ કરી આપવામાં આવતા નહીં હોવાની ફરિયાદ ઊઠી છે. લોકોની જરૂરિયાતને ધ્યાને લઈ ખાનગી સેન્ટરના સંચાલકો મનફાવે તેવી ફી વસૂલી રહ્યા છે. મુદે્ તંત્ર ભેદી મૌન સેવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...